BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

નકલી પોલીસે રોક્યા, ડરથી આવ્યો હાર્ટ એટેક: ‘3 મહિનાથી ગાડી ફેરવો છો, હપ્તા ભરતા નથી’; હાર્ટ પેશન્ટ ધાકધમકીથી ગભરાયા ને રસ્તા પર જ ઢળી પડ્યા

સમીર પટેલ, ભરૂચ

ભરૂચના રહાડપોર ગામ નજીક નકલી પોલીસ બની ધાકધમકી આપતા શખ્સોના ત્રાસને કારણે એક નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોવાની હચમચાવનારી ઘટના સામે આવી છે.

ભોલાવ વિસ્તારમાં રહેતા 43 વર્ષીય ઉર્વીશ બીપીન મોદીનું નકલી પોલીસના ડરથી હાર્ટ એટેક આવતા નિધન થયું હોવાનો આક્ષેપ તેમના પત્નીએ કર્યો છે.

મળતી માહિતી મુજબ, ઉર્વીશ મોદી તેમની પત્ની સાથે એક્ટિવા પર શહેર તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન રહાડપોર રોડ પર કેટલાક શખ્સોએ તેમનું વાહન રોક્યું હતું. આ શખ્સોએ પોતાની ઓળખ ‘પોલીસ’ તરીકે આપી હતી અને વાહન પર નંબર પ્લેટ ન હોવા બાબતે દબાણ કરવાનું શરૂ કર્યું હતું. આરોપ છે કે, આ શખ્સોએ “3 મહિનાથી ગાડી ફેરવો છો, હપ્તા ભરતા નથી” તેમ કહીને નાણાંની માંગણી કરી ધમકાવ્યા હતા.

નકલી પોલીસની આ દાદાગીરી અને ધાકધમકીથી ઉર્વીશ મોદી ગંભીર રીતે ગભરાઈ ગયા હતા. રસ્તા પર જ તેમને હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.

મૃતકની પત્ની તૃપ્તિ મોદીએ જણાવ્યું હતું કે, તેઓ સ્કૂલમાં નોકરી કરે છે અને તેમના પતિ તેમને લેવા આવ્યા હતા. રહાડપોર પાસે એક બાઈક સવારે તેમને રોક્યા બાદ અન્ય બે શખ્સોએ આવી પોતાને પોલીસ ગણાવી નાણાં માંગ્યા હતા. તૃપ્તિ મોદીએ સ્પષ્ટતા કરી હતી કે, “ગાડીના કોઈ હપ્તા બાકી નહોતા, માત્ર નંબર પ્લેટ લગાવવાની બાકી હતી. પતિ હૃદય રોગના દર્દી હતા અને 1 અઠવાડિયા પહેલા જ તેમની સારવાર કરાવી હતી.”

ઘટનાની ગંભીરતા જોતા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PI આર.એમ. વસાવા સહિતનો કાફલો સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે મૃતકની પત્નીનું નિવેદન નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ખાતરી આપી છે કે આ મામલે સંડોવાયેલા તમામ દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Back to top button
error: Content is protected !!