AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

અમદાવાદમાં પ્રિસ્ક્રિપ્શન વિના કફ સિરપ વેચાણ સામે કડક કાર્યવાહી: 8 મેડિકલ સ્ટોર્સ પર દરોડા, તાત્કાલિક કારણદર્શક નોટિસો

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ

રાજ્યમાં દવાઓની ગુણવત્તા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર સતત સતર્ક છે. નાગરિકોને સુરક્ષિત અને પ્રમાણભૂત દવાઓ મળી રહે તે હેતુસર તંત્ર દ્વારા નિયમિતપણે મેડિકલ સ્ટોર્સની તપાસ કરવામાં આવે છે. આ જ અભિયાનના ભાગરૂપે તાજેતરમાં અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી કુલ 8 મેડિકલ સ્ટોર્સ પર આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા.

તંત્રની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે કેટલાક મેડિકલ સ્ટોર્સ પર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ સહિતની નિયમિત દવાઓનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. દરોડા ઘાટલોડીયા, સેટેલાઇટ, વેજલપુર અને પ્રહલાદનગર વિસ્તારોમાં આવેલા એપોલો ફાર્મસી, ક્રિષ્ણા મેડિકલ, સોલક્યોર ફાર્મસી, નમનીધી ફાર્મા, નમ: વેલનેસ અને નટરાજ મેડિકલ સ્ટોર્સ પર પાડવામાં આવ્યા.

તપાસ મુજબ 8 મેડિકલ સ્ટોર્સ પૈકી 5 મેડિકલ સ્ટોર્સ પર રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટ હાજર નહોતા, છતાં ત્યાં કફ સિરપનું વેચાણ થઈ રહ્યું હતું. બાકીના 2 મેડિકલ સ્ટોર્સ પર ફાર્માસીસ્ટ હાજર મળ્યા અને 1 મેડિકલ સ્ટોર તપાસ દરમિયાન બંધ હોવાનું બહાર આવ્યું.

આ તમામ મેડિકલ સ્ટોર્સને ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર દ્વારા તાત્કાલિક કારણદર્શક નોટિસો આપવામાં આવી છે અને સ્પષ્ટીકરણ રજૂ કરવા કહેવામાં આવ્યું છે. સ્પષ્ટીકરણ મળ્યા બાદ તંત્ર ઔષધ અને સૌંદર્ય પ્રસાધન અધિનિયમ, 1940 હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી કરશે.

તંત્રએ જણાવ્યું કે રાજ્યમાં દવાઓના નમૂનાઓનું નિયમિત પરીક્ષણ કરવામાં આવે છે અને ભેળસેળયુક્ત, નકલી અથવા ગેરકાયદેસર રીતે વેચાતી દવાઓ સામે શૂન્ય સહનશીલતા અપનાવવામાં આવી છે. એક્ષપાયર્ડ દવાઓ, ડુપ્લિકેટ દવાઓ, બિનઅનુમતિપ્રાપ્ત કફ સિરપનું વેચાણ, એમ.ટી.પી. કિટ જેવી નિયંત્રિત દવાઓનો ગેરકાયદેસર વેપાર જેવા કેસોમાં પણ તંત્ર સતત કાર્યવાહી કરે છે.

તંત્રએ વધુમાં સ્પષ્ટ કર્યું કે આવી કામગીરી આગળ પણ ચાલુ રહેશે અને જનસ્વાસ્થ્ય સાથે કોઇપણ પ્રકારની રમખાણ કરનારાઓ વિરુદ્ધ કડક‌ પગલા લેવામાં આવશે.

Back to top button
error: Content is protected !!