જોખમી સ્થળોએ નહાવા, તરવા અને સેલ્ફી લેવા પર પ્રતિબંધ, ભંગ કરનાર સામે કડક કાર્યવાહી
મહીસાગર જિલ્લાના જળાશયો પર પ્રતિબંધ: સલામતી માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું

મહીસાગર જિલ્લાના જળાશયો પર પ્રતિબંધ: સલામતી માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
***
જોખમી સ્થળોએ નહાવા, તરવા અને સેલ્ફી લેવા પર પ્રતિબંધ, ભંગ કરનાર સામે કડક કાર્યવાહી
અમીન કોઠારી મહીસાગર
તાજેતરમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નદીઓ, તળાવો અને અન્ય જળાશયોમાં ડૂબી જવાથી મૃત્યુ થયાના દુઃખદ બનાવો નોંધાયા છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને અને લોકોની સલામતી તથા જાનહાનિ અટકાવવાના હેતુથી, મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે.
મહીસાગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સમગ્ર જિલ્લામાં તાત્કાલિક અસરથી તા. ૨૬/૦૮/૨૦૨૫ સુધી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર, મહીસાગર જિલ્લામાં આવેલાં તમામ નદીઓ, તળાવો, નાળાં, નહેરો, ચેકડેમો, કોઝ-વે અને ધોધ જેવાં પાણીનાં વહેણવાળાં જોખમી સ્થળોએ કોઈપણ વ્યક્તિને નીચે દર્શાવેલ પ્રવૃત્તિઓ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે:
• નહાવા અને તરવા પર સંપૂર્ણ પ્રતિબંધ.
• કપડાં ધોવા પર પ્રતિબંધ.
• માછલી પકડવા જવા પર પ્રતિબંધ.
• જળાશયોના ઊંડા પાણીમાં પ્રવેશ કરવા અને તેમાં મદદગારી કરવા પર પ્રતિબંધ.
• સમગ્ર મહીસાગર જિલ્લામાં આવેલા કોઝ-વે પરથી પાણીનું વહેણ ચાલુ હોય ત્યારે કોઈપણ વ્યક્તિને વાહન સાથે કે પગપાળા પસાર થવા પર પ્રતિબંધ.
• ઉપરોક્ત તમામ જોખમી સ્થળોએ ઊભા રહીને મોબાઈલ/કેમેરામાં ફોટા/સેલ્ફી લેવા પર પ્રતિબંધ.
આ હુકમ કાયદો અને વ્યવસ્થાની જાળવણી તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે નિયુક્ત કર્મચારીઓ અને અધિકારીઓને લાગુ પડશે નહીં. જાહેરનામાનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.


