પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા જિલ્લામાં ગેરરીતિ આચરનાર દુકાનદારો સામે કડક અને કાયદેસરની કાર્યવાહી
ગોધરા ખાતેની વ્યાજબી ભાવની દુકાનનો પરવાનો રદ કરી રૂ. ૩.૮૦ લાખનો દંડ વસૂલ કરવા હુકમ

પંચમહાલ ગોધરા
નિલેશભાઈ દરજી શહેરા
પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી ડૉ. ભાર્ગવ ડાંગર અને તેમની ટીમે તા.૨૩/૦૫/૨૦૨૫ ના રોજ ગોધરા તાલુકાના અંબાલી ગામ ખાતે આવેલી સમીરકુમાર શંકરભાઈ ચૌહાણ સંચાલિત વ્યાજબી ભાવની દુકાનની આકસ્મિક તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન ગંભીર ગેરરીતિ સામે આવી હતી. જેમાં દુકાનદાર દ્વારા રેશનકાર્ડ ધારકોને મળવાપાત્ર અનાજનો જથ્થો અનઅધિકૃત રીતે સંગ્રહ કરાયો હોવાનું જણાઈ આવ્યુ હતું.
આ તપાસ દરમિયાન જથ્થાની ખરાઇ કરતા દુકાનમાંથી ૧૮૮૫.૫૦૧ કિ.ગ્રા. ઘઉં, ૪૮૪૯ કિ.ગ્રા. ચોખા અને ૧૧૬.૪૦૦ કિ.ગ્રા. ખાંડ વધુ જથ્થામાં મળી આવ્યુ હતુ. જે દર્શાવે છે કે રેશનકાર્ડ ધારકોને આપવાને બદલે આ જથ્થાનો અનઅધિકૃત સંગ્રહ કરવામાં આવ્યો હતો, જે જાહેર વિતરણ વ્યવસ્થાનો ભંગ છે.
જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ડૉ. ભાર્ગવ ડાંગરે આ ગેરરીતિ અંગે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દુકાનદાર દ્વારા આપવામાં આવેલો લેખિત ખુલાસો અમાન્ય રાખીને, જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, અનામત પેટે મુકેલી ડિપોઝીટની ૧૦૦% રકમ રૂપિયા ૫,૦૦૦/- ની અને અનઅધિકૃત સંગ્રહ કરાયેલા જથ્થાની બજાર કિંમતની બમણી રકમ, એટલે કે રૂપિયા ૩,૭૫,૧૧૬/- મળીને કુલ રૂપિયા ૩,૮૦,૧૧૬/- ની વસૂલાત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી દ્વારા ગેરરીતિ આચરનાર દુકાનદારો સામે કડક અને કાયદેસરની કાર્યવાહી કરીને, લાભાર્થીઓને મળવાપાત્ર અનાજનો જથ્થો પૂરતો અને નિયમિત મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહી ગેરરીતિ આચરનારાઓ માટે ઉદાહરણરૂપ બનશે અને જાહેર વિતરણ વ્યવસ્થામાં પારદર્શિતા જાળવવામાં મદદરૂપ થશે.




