પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા ગેરરીતિ આચરનાર દુકાનદાર સામે કડક અને કાયદેસરની કાર્યવાહી
ગોધરા ખાતેની વ્યાજબી ભાવની દુકાનનો પરવાનો રદ કરી રૂ. ૧૫૦૨૨/- નો દંડ કરવામાં આવ્યો
પંચમહાલ શહેરા
નિલેશભાઈ દરજી શહેરા
જિલ્લા પુરવઠા અધિકારી ડો.ભાર્ગવ ડાંગર અને તેમની ટીમ દ્વારા ગોધરા ખાતેની એક સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાનની આકસ્મિક તપાસ હાથ ધરી હતી જેમાં ગંભીર ગેરરીતિ સામે આવતા દુકાનદાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે અને ગેરરીતિ બદલ દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરવામાં આવ્યો છે તેમજ રૂપિયા ૧૫,૦૨૨/-નો દંડ ફટકારવામાં આવ્યો છે.
કાર્યવાહીની વિગતો અનુસાર તા.૨૩ જૂન, ૨૦૨૫ના રોજ જિલ્લા પુરવઠા અધિકારીની ટીમે ગોધરા તાલુકાની ગોધરા-૪૬ શ્રી અન્સારી સિરાજુલહકક અબ્દુલહકક સંચાલિત ધી વેસ્ટર્ન રેલ્વે કો.ઓ. સોસાયટી લીમીટેડની વ્યાજબી ભાવની દુકાનમાં આકસ્મિક તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન જથ્થાની ખરાઈ કરતા દુકાનમાંથી ઘઉંના ૨ કટ્ટાની, ચોખામાં ૧ કટ્ટાની અને ખાંડમાં ૨૨ કિલોગ્રામની વધ જણાઈ આવી હતી. આ ઉપરાંત, દુકાનનું સંચાલન કરતી મંડળી ફડચામાં હોવા જેવી ગંભીર ગેરરીતિ પણ સામે આવી હતી. આ ગેરરીતિ અંગે જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી દ્વારા જવાબદાર દુકાનદારને નોટિસ પાઠવી કચેરીમાં હાજર રહેવા જણાવ્યું હતું.
દુકાનદારે કરેલ લેખિત ખુલાસો સંતોષકારક ન જણાતા જિલ્લા પુરવઠા અધિકારી ડૉ.ભાર્ગવ ડાંગર દ્વારા કડક પગલાં ભરવામાં આવ્યા હતા. જેમાં દુકાનદારે ગેરરીતિ કરી હોવાનું અને પરવાનાની શરતોનો ભંગ કર્યો હોવાનું સ્પષ્ટ થતાં સરકારી જોગવાઈઓ મુજબ રૂપિયા ૧૫,૦૨૨/- નો દંડ કરવામાં આવ્યો છે અને દુકાનનો પરવાનો કાયમી ધોરણે રદ કરી દેવામાં આવ્યો છે.
આ કિસ્સો દર્શાવે છે કે જિલ્લા પુરવઠા કચેરી દ્વારા ગેરરીતિ આચરનારા વ્યાજબી ભાવના દુકાનદારો સામે કાયદેસરની અને સતત કાર્યવાહી કરી જિલ્લાના જરૂરિયાતમંદ લાભાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે કટિબદ્ધતાથી સરાહનીય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.