આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે “વિદ્યાર્થી-જીવન દર્શન” કાર્યક્રમ યોજાયો

શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે તા-12 ઓગસ્ટ 2024 ના રોજ “વિદ્યાર્થી-જીવન દર્શન” કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના મહાનુભાવ તરીકે શ્રી દિનેશભાઈ સેવક (હાલ-અંકલેશ્વર નિવાસી તથા અરિહંત ફાઉન્ડેશન ના મુખ્ય ફેકલ્ટી, ભારતીય સંસ્કૃતિ અને પાશ્ચાત્ય સંસ્કૃતિના જ્ઞાતા), દેવગીરી ગોસ્વામી (ખેરાલુ નિવાસી તથા સામાજિક કાર્યકર), ધનસુખભાઈ (સામાજિક કાર્યકર) વગેરે ઉપસ્થિત રહ્યા હતા. જેમનું શાળાના આચાર્યશ્રીએ શાબ્દિક સ્વાગત અને પરિચય આપી પુસ્તકથી બહુમાન કર્યું હતું.આજના પ્રેરક પ્રસંગના મુખ્ય વક્તા એવા શ્રી દિનેશભાઈ સેવકે પોતાના પ્રાસંગિક પ્રવચનમાં વિદ્યાર્થીઓને વિદ્યાર્થી જીવનના મૂલ્યો, વિદ્યાર્થી જીવનમાં માતા-પિતા અને ગુરુઓનું યોગદાન, શિક્ષણ અને સંસ્કાર, સાચો મિત્ર પુસ્તક, આદર્શ વિદ્યાર્થી, આજનો યુવાન વગેરે વિશે ઉક્તિઓ અને સૂક્તિઓ દ્વારા પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું.વિદ્યાર્થીઓ પણ શ્રી દિનેશભાઈ સેવકનું ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ જોઈને અભિભૂત થયા હતા અને તેમના પ્રેરણાદાયી વિચારોને આત્મસાત કરી ઉન્નત જીવન જીવવાની તત્પરતા દર્શાવી હતી. આમ આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી ના માર્ગદર્શન નીચે અને સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી કાર્યક્રમનું સુંદર આયોજન થયુ હતું



