Rajkot: સરકારી પોલિટેકનિક ખાતે સ્ટુડન્ટ વેલનેસ સેલ ખુલ્લો મુકાયો

તા.૨/૨/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
‘સારથી’ પ્રોગ્રામ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન, સ્ટાફ માટે વિશેષ વાર્તાલાપ યોજાયો
Rajkot: સરકારી પોલિટેકનિક, રાજકોટના આઇ.સી.ટી. વિભાગ ખાતે વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને સર્વાંગી સુખાકારી માટે પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. જેના ભાગરૂપે સંસ્થા ખાતે નવનિર્મિત સ્ટુડન્ટ વેલનેસ સેલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
વધુમાં ગત તા. ૩૦ અને ૩૧ જાન્યુઆરી – ૨૦૨૬ ના રોજ બે દિવસીય ‘સારથી’ : ‘સ્ટુડન્ટ વેલનેસ અને કાઉન્સેલિંગ પ્રોગ્રામ’ નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રથમ દિવસે મુખ્ય નિષ્ણાત અને તજજ્ઞ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટના મનોવિજ્ઞાન વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ધારા દોશી અને તેમની ટીમે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કર્યો હતો. સાથોસાથ વિવિધ મનોવૈજ્ઞાનિક કસોટી અને પોસ્ટર દ્વારા તેમને મુંજાવતા પ્રશ્નોના નિરાકરણ કરવામાં મદદ કરી હતી.
બીજા દિવસે ડૉ. ધારા દોશીએ અત્રેની સંસ્થાના ફેકલ્ટી સાથે વિદ્યાર્થીઓના મનોવૈજ્ઞાનિક પ્રશ્નોની ઓળખ અને તેનું સંચાલન વિષય પર ‘વન-ટુ-વન’ ચર્ચા કરી હતી. જેમાં વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે શિક્ષકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સંસ્થાના આચાર્ય શ્રી ડો. એ.એસ.પંડ્યાના નેતૃત્વમાં તેમજ ઈ.સી. આઈ.સી.ટી. વિભાગના ઇન્ચાર્જ એચ.ઓ.ડી. શ્રી એચ.કે.પ્રજાપતિની આગેવાનીમાં કોર્ડીનેટર વ્યાખ્યાતા શ્રી પી.એન.કરગટિયા, કો- કોર્ડીનેટર વ્યાખ્યાતા શ્રી એ.આર.નગરીયા તથા વ્યાખ્યાતા શ્રી એસ.એસ. પ્રજાપતિ દ્વારા આ બે દિવસીય કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પોલીટેકનિકના ઇન્ચાર્જ આચાર્ય શ્રી આર.એલ.પટેલ દ્વારા વિદ્યાર્થીઓ તેમજ સંસ્થાના તમામ ફેકલ્ટી સ્ટાફને ભાગ લેવા માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.








