બાલાચડી શાળાના વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ મળશે

*જોડિયા તાલુકાની શ્રી બાલાચડી પ્રાથમિક શાળાના 2 વિદ્યાર્થીની ”મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃતિ પરીક્ષા” માં રાજ્ય કક્ષાએ મેરીટમાં પસંદગી કરાઈ*
*જામનગર (નયના દવે)
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ધોરણ 8 માં લેવાતી મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃતિ પરીક્ષામાં જોડિયા તાલુકાની શ્રી બાલાચડી પ્રાથમિક શાળાના બે બાળકોની પસંદગી કરવામાં આવી છે. વિદ્યાર્થી મકવાણા સંજય જુગડીયાભાઈ અને વિદ્યાર્થી પારિયા વિવેક રાજેશભાઈની રાજ્ય કક્ષાએ મેરીટમાં પસંદગી કરવામાં આવી છે. આ બંને બાળકોને હવે મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃતિ યોજના અન્વયે ધોરણ 9 થી 12 માંં અભ્યાસ કરવા માટે રાજય સરકારશ્રી દ્વારા રૂ. 94000 જેટલી શિષ્યવૃતિ આગળના ત્રણ વર્ષ સુધી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે શ્રી બાલાચડી પ્રાથમિક શાળા દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તૈયારી અને માર્ગદર્શન આપવામાં આવે છે. જેનો સીધો લાભ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે. ઉપરાંત શાળામાં વિવિધ સ્પર્ધાત્મક કાર્યક્રમો જેવા કે ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, વિવિધ શિષ્યવૃત્તિ પરીક્ષા જેવી અલગ અલગ હરીફાઈઓનું તમામ વિદ્યાર્થીઓને ખૂબ જ સારી રીતે માર્ગદર્શન આપવામાં આવે છે.
આ માટે શાળાનો સમગ્ર સ્ટાફ ખૂબ જ મહેનત કરે છે. જેના થકી શાળાના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ અભ્યાસની સાથે બધી પરીક્ષાઓની તૈયારી કરીને સફળતા મેળવી રહ્યા છે. આ તકે સમગ્ર શાળા પરિવાર, એસ.એમ.સી. સમિતિ, ગ્રામ સરપંચશ્રી, ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓએ બંને વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમજ તેમના મંગળ ભવિષ્ય માટે શુભકામના વ્યક્ત કરી છે.
*000000*





