
દેડિયાપાડા કોલેજ ના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાની યૂનિટી માર્ચમાં ભાગીદારી નોંધાવી
તાહિર મેમણ- ડેડીયાપાડા- સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતિ ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય કક્ષાની યુનિટી માર્ચ યોજાઈ રહી છે. જેમાં તા. ૪ થી ડિસેમ્બરે યોજાયેલ રાષ્ટ્રીય પદયાત્રામાં દેડિયાપાડા સરકારી નયન અને વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓએ સક્રિય રીતે ભાગ લીધો હતો.
આ પદયાત્રા માધ્યમે રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સંકલ્પ શક્તિને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ યુનિટી માર્ચમાં સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડાના કુલ અંદાજે ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓએ સક્રિય ભાગિદારી તેમજ કોલેજના ૧૨ અધ્યાપકો પણ વિદ્યાર્થીઓ સાથે આ રાષ્ટ્રીય પદયાત્રામાં કાર્યક્રમમાં જોડાયા હતાં.
નરખડીથી ભદામ સુધીની યુનિટી માર્ચ દરમિયાન વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય એકતા, બંધુત્વ અને સામાજિક જાગૃતિના સંદેશા આપતા સૂત્રોચ્ચારો કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને ઉમંગભેર રીતે પૂર્ણ થયો હતો. આ યુનિટી માર્ચ દ્વારા વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમ, ટીમવર્ક, શિસ્ત અને જવાબદારીની ભાવનાઓને પ્રોત્સાહન મળ્યું હતું. અંતમાં કોલેજના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય એકતા અને સમાજસેવાના મૂલ્યો અંગે માર્ગદર્શન મળ્યુ હતું.




