GUJARATMEHSANAVIJAPUR

મહેસાણા જિલ્લાના વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સજ્જ થશે

આગામી બુધવારે ધોરણ-૫ ના ૨૩૭૬૯ વિદ્યાર્થીઓ માટે અનુભવ કસોટી યોજાશે

મહેસાણા જિલ્લાના વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સજ્જ થશે
આગામી બુધવારે ધોરણ-૫ ના ૨૩૭૬૯ વિદ્યાર્થીઓ માટે અનુભવ કસોટી યોજાશે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ.શરદ ત્રિવેદીના માર્ગદર્શન નીચે મહેસાણા જિલ્લાના પ્રાથમિક શિક્ષણ તંત્ર દ્વારા ધોરણ-૫ ના વિદ્યાર્થીઓમાં અધ્યન નિષ્પત્તિ આધારિત વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય તે માટે NEP-૨૦૨૦ને ધ્યાને લઇ વિશેષ કામગીરી થઇ રહી છે. ગત ૧૧ જાન્યુઆરી-૨૦૨૫ ના રોજ ધોરણ-૫ ના ૨૩ હજારથી વધુ વિદ્યાર્થીઓની ૧૨૦ ગુણની બેઇઝ લાઈન કસોટી લેવામાં આવેલ. આ કસોટીના આધારે જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ ક્યા વિષયમાં વિશેષ ક્ષમતા ધરાવે છે તેમજ કયા વિષયની કઈ અધ્યયન નિષ્પત્તિઓમાં કચાસ ધરાવે છે તે જાણી તેમને આગામી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિશેષ તૈયારી કરાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લાના તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, બી.આર.સી.કૉ.ઓ., સી.આર.સી.કો.ઓ વગેરે મોનીટરીંગ સ્ટાફ દ્વારા ધોરણ-૩થી૫ના શિક્ષકોને આ બાબતે બ્લોક, ક્લસ્ટર અને શાળા કક્ષાએ તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા પૂર્વે સારી તૈયારી કરાવી શકાય તેના ભાગરૂપે આગામી બુધવાર તારીખ ૧૨-૦૨-૨૦૨૫ ના રોજ મહેસાણા જિલ્લા પંચાયત હસ્તકની તમામ સરકારી પ્રાથમિક શાળાના ધોરણ-૫માં ભણતા ૨૩૭૬૯ વિદ્યાર્થીઓની સવારે ૧૧-૩૦ થી બપોરે ૨-૦૦ વાગ્યા સુધી ૧૨૦ માર્કસની એમ.સી.ક્યૂ. બેઇઝ અનુભવ કસોટી યોજાશે. વિદ્યાર્થીઓને ૧૫૦ મિનિટ માટે પ્રશ્નપત્ર સાથે ઓ.એમ.આર.સીટ આપી સ્પર્ધાત્મક પરીક્ષાનો પોતાની શાળાના વર્ગખંડમાં જ અદ્દલ અનુભવ આપવામાં આવશે. જે સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ નવીન પહેલ છે. આ કસોટીથી વિદ્યાર્થીઓની તાર્કિક ક્ષમતા તેમજ ગણિત, પર્યાવરણ, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી વિષયમાં અધ્યયન નિષ્પત્તિ આધારિત કૌશલ્યોની ચકાસણી થશે. વિદ્યાર્થીઓને આગામી સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા યોજાતી જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા તેમજ રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવતી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ પરીક્ષા અને પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા પૂર્વે વિષય સંલગ્ન વિશેષ તૈયારીની તક મળશે. જિલ્લાની વિષય નિષ્ણાત ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા પ્રશ્નપત્રની રચના કરવામાં આવી છે. પ્રશ્નપત્ર ઉપર ક્યૂ.આર.કોર્ડ મૂકવામાં આવેલ છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ તે સ્કેન કરવાથી શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ પ્રશ્નપત્રનું જવાબવહી સાથેનું અસાઇનમેન્ટ મેળવી શકશે. પ્રશ્નપત્રો અને ઓ.એમ.આર.શીટનું છાપકામ વિજાપુર તાલુકાની જૂના રણસીપુર પ્રા.શાળાના શિક્ષક સચિનકુમાર બી.પટેલના આર્થિક સહયોગથી થયેલ છે.

(વિદ્યાર્થીઓનો સ્પર્ધાત્મક પરીક્ષાનો હાઉ દૂર થશે. સમય મર્યાદામાં પ્રશ્નપત્ર પૂર્ણ કરવાનું કૌશલ્ય વિકસશે. ઓ.એમ.આર.ના માધ્યમથી જવાબો લખવાનો અનુભવ થશે. મહાવરાની વિશેષ તક મળશે. ગોખણપટ્ટીની નહીં પરંતુ વિદ્યાર્થીઓની સમજની ચકાસણી થશે. જેથી NEP-૨૦૨૦નું ધ્યેય સિદ્ધ થશે.

– જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. શરદ ત્રિવેદી )

Back to top button
error: Content is protected !!