વસંતઋતુ અને આયુર્વેદને કેન્દ્રમાં રાખીને આયુર્વેદનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ બનાવી ‘હેલ્ધી ડીશ’
વસંતઋતુ અને આયુર્વેદને કેન્દ્રમાં રાખીને આયુર્વેદનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ બનાવી 'હેલ્ધી ડીશ'

આયુર્વેદ કહે છે, ઋતુઓ મુજબ આહાર લેવો જોઈએ, ત્યારે એ જ વિચારને ધ્યાને રાખી આયુર્વેદનો તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વસંતઋતુમાં ક્યા પ્રકારનો આહાર લેવો જોઈએ ? તેને કેન્દ્રમાં રાખી ‘હેલ્ધી ડીશ’ બનાવી હતી. જે સ્વાદમાં શ્રેષ્ઠની સાથો સાથ આરોગ્યની દ્રષ્ટિએ પણ બેસ્ટ હતી.જૂનાગઢ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે આયુષ મેળા અંતર્ગત આ અનોખી કુકિંગ કોમ્પિટિશનનું આયોજન થયું હતું, જેમાં આયુર્વેદનો તબીબી અભ્યાસ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓની ૧૫ ટીમોએ આયુર્વેદ મુજબની વાનગીઓ બનાવી અનોખી રીતે પ્રસ્તુત કરી હતી.આ કુકિંગ સ્પર્ધામાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ મોરીંગા મલ્ટીગ્રેન ખાલીપીટ ચાંગેરી ઠેચા, વસંત તડકા, યવ ચાઉમેન, વસંત બહાર, સ્પિનચ પેસ્ટો નુડલ્સ, રાગી ટીકી, રાગી ઢોસા વગેરે જેવી વાનગીઓનો આયુર્વેદ સાથે આધુનિકતાનો સમન્વય સાધીને બનાવવામાં આવી હતી.આ સ્પર્ધા સંદર્ભે ડો.ક્રિષ્ના માકડીયા જણાવે છે કે, લોકોને ઋતુ મુજબના આહાર લેવાનો ખ્યાલ આવે તે માટે આ વિશેષ કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાલ વસંતઋતુ ચાલી રહી છે, ત્યારે વસંતઋતુમાં ક્યા પ્રકારનો આરોગ્યપ્રદ આહાર લેવાનો રહે છે. તેને જ ધ્યાન રાખી વસંતઋતુની વાનગીઓ તેને કેન્દ્રમાં રાખીને આ બુકિંગ કોમ્પિટિશન યોજાઈ છે.આ કુકિંગ કોમ્પિટિશનમાં જુદી જુદી ચાર આયુર્વેદ કોલેજના ૧૫ ટીમના ૪૫ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. જેમાં સ્પર્ધકોએ ફુલ ડીશ બનાવી હતી, તે મુજબ જમ્યા પહેલા સ્ટાર્ટર, મુખ્ય ડીશ અને ડેઝર્ટ બનાવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વસંત ઋતુમાં ક્યા પ્રકારનો આહાર લેવો જોઈએ, તેની સાથે વાનગીમાં વપરાયેલ સામગ્રીની પોષણ ક્ષમતા, રસોઈ બનાવવાની પદ્ધતિ, ઇનોવેશન, રસોઈ ક્યા પ્રકારના વાસણમાં બનાવવામાં આવી છે, કુકિંગ કુકિંગ સ્કીલ, વાનગીનું, ટેક્ષચર, ગાર્નીશિંગ પ્રેઝન્ટેશન વગેરે માપદંડોને ધ્યાને રાખીને શ્રેષ્ઠ વાનગી જાહેર કરવામાં આવશે. આ વાનગીઓની રેસીપી ને થોડા સમય બાદ જૂનાગઢ આયુર્વેદ કોલેજની વેબસાઈટ પર પણ મૂકવામાં આવશે. જેથી લોકોને પણ વસંત ઋતુમાં સ્વાદની સાથે કઈ રીતે પોષણક્ષમ આહાર લઈ શકાય, તે માટેની જાણકારી મળી રહેશે.આ કુકિંગ કોમ્પિટિશનમાં ભાગ લેનાર હેતવી જોબનપુત્રાએ જણાવ્યું હતું કે, આપણા ગ્રંથોમાં ઋતુચર્યા મુજબ શું ખાવું જોઈએ- શું ન ખાવું જોઈએ ? તેની સ્પષ્ટ સમજૂતીઓ આપવામાં આવી છે, ખાસ આ ખાસ સ્પર્ધામાં મોરંગા મલ્ટીગ્રેઈન થાલીપીટ ચાંગેરી ઠેચા નામની મહારાષ્ટ્રીયન ડીશ બનાવવામાં આવી હતી. જેને આયુર્વેદિક ટચ આપવામાં આવ્યો હતો. આયુર્વેદ મુજબ વસંત ઋતુમાં શેકીને ખાવાનું મહત્વ રહેલું છે તેમાં ઘઉં અને જવ ખાવા જોઈએ. ઉપરાંત નાગરવેલ, ટોપરૂ, મધ વગેરે સામગ્રીનો ઉપયોગ કરીને આ વિશેષ વાનગી બનાવી હતી.અન્ય એક સ્પર્ધક ઉત્સવી પટેલે જણાવ્યું હતું કે, વસંતઋતુમાં કફનો પ્રભાવ વધતો હોય ત્યારે કફ શાંત થાય તે માટે પાલકના પાતરા, મગના પુડલા, સૂપ વગેરે વાનગીઓ બનાવી હતી તે જેમાંથી વધુ પૌષ્ટિકતા મળી રહે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






