
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ઢાઢરા ગામમાંથી તાત્કાલિક પ્રસુતિનો કેસ મળતા 108 એમ્બ્યુલન્સ પીંપરી IFT ટીમ તાત્કાલીક ધોરણે ઘટનાસ્થળે પહોંચી હતી.અહી 24 વર્ષીય ઈસ્તરબેન અજયભાઈ ખાસીયાને પ્રસુતિના ભારે દુખાવા શરૂ થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા માટે એમ્બ્યુલન્સ દ્વારા રવાના કરવામાં આવ્યા હતા.આ દરમિયાન ચીચીનાગાવઠા ગામ નજીક પહોંચતા મહિલાને ડિલિવરીનો અત્યંત તીવ્ર દુખાવો શરૂ થયો હતો. સ્થિતિની ગંભીરતા સમજી EMT પ્રકાશભાઈ પટેલ તથા પાયલોટ સુભાષભાઈ રાઠોડે સમયસૂચકતા અને કુશળતાનો ઉપયોગ કરી એમ્બ્યુલન્સને રસ્તાની બાજુએ સુરક્ષિત રીતે ઉભી રાખી પ્રસુતિ પ્રક્રિયા શરૂ કરી હતી.અહી મહિલાના ગર્ભમાં ટ્વીન્સ બેબી હોવાના કારણે માતા તથા બાળક બંનેના જીવને જોખમ ઊભું થયુ હતુ.બંને બાળકોના ગળામાં ગર્ભનાળ વીંટળાયેલી હોવા છતાં EMT પ્રકાશભાઈ પટેલે કુશળતા પૂર્વક સફળ ડિલિવરી કરાવી માતા તથા બંને નવજાત બાળકોના જીવ બચાવ્યા હતા.અમદાવાદ હેડ ઓફિસ ખાતે હાજર ડૉ. કૃષ્ણાનાં માર્ગદર્શન હેઠળ જરૂરી ઇન્જેક્શન, દવાઓ તથા ઓક્સિજન આપવામાં આવ્યા હતા. ત્યારબાદ વધુ પ્રાથમિક સારવાર માટે માતા તથા બંને બાળકોને નજીકની CHC ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.હાલમાં મહિલાના પરિવારજનોએ ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમની સમયસૂચકતા અને માનવતાપૂર્ણ સેવા બદલ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ 108 ના EMO વિજય ગામીત અને PM હેમંત સોલંકી દ્વારા ટીમના કાર્યની પ્રશંસા કરી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.ડાંગ જિલ્લાની ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા ફરી એકવાર આપાતકાલીન પરિસ્થિતિમાં જીવનરક્ષક સાબિત થઈ છે..





