સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષના બાળક પર સફળ ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી: જીવનમાં પહેલીવાર મોંઢેથી ખોરાક લઈને થયો સ્વસ્થ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: અમદાવાદની સિવિલ હોસ્પિટલ દેશભરમાં અતિ જટિલ સર્જરીઓ માટે જાણીતી છે. અહીંના પીડિયાટ્રિક સર્જરી વિભાગે ફરી એકવાર એવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે કે જેના કારણે એક નિર્દોષ બાળકને જીવનનો નવો સ્વાદ અને સ્વાસ્થ્ય મળી ગયું છે. ઉત્તર પ્રદેશના અઢી વર્ષના કાર્તિક પર ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે, જેના પરિણામે કાર્તિકે પહેલીવાર પોતાના મોંઢેથી ખાવાનું શરૂ કર્યું. આ દ્રશ્ય જોઈને તેના માતા-પિતા ભાવુક બની ગયા અને તેમની આંખોમાં ખુશીના આંસુ ઝરમરાયા.
કાર્તિક જન્મથી જ ઈસોફેજિયલ એટ્રિસિયા નામની દુર્લભ જન્મજાત ખામીથી પીડાતો હતો. આ ખામીમાં અન્નનળી (ફૂડ પાઇપ) બનેલી જ નથી હોતી. પરિણામે જન્મ સમયે તેના ગળામાં તાત્કાલિક કાણું પાડીને ટ્યૂબ મૂકવી પડી હતી, જેના માધ્યમથી તે ખોરાક મેળવી શકતો હતો. છેલ્લા અઢી વર્ષથી કાર્તિક ટ્યૂબ મારફતે જ જીવન જીવી રહ્યો હતો.
સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક તથા પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી જણાવે છે કે ઈસોફેજિયલ એટ્રિસિયા દર 4000માંથી એક બાળકમાં જોવા મળે છે અને તેનો એકમાત્ર ઉપાય સર્જરી જ છે. ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી અત્યંત જટિલ સર્જરી ગણાય છે જેમાં હોજરીને ખેંચીને તેમાંથી અન્નનળી તૈયાર કરવામાં આવે છે. આ પ્રક્રિયા બાદ બાળક મોંઢેથી ખાવાનું શરૂ કરી શકે છે. તેમણે જણાવ્યું કે સિવિલ હોસ્પિટલમાં અગાઉ પણ આવી સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે અને આ સર્જરી ટીમ માટે ગૌરવની વાત છે.
કાર્તિકના માતા-પિતા લાલમત પ્રજાપતિ અને સંજુબહેન સુથારી કામ કરીને ગુજરાન ચલાવે છે. બાળકનો જન્મ થતા જ ઉત્તર પ્રદેશમાં ખાનગી હોસ્પિટલમાં બે-ત્રણ લાખનો ખર્ચ કરીને પ્રાથમિક ઓપરેશન કરાવવું પડ્યું હતું. પરંતુ આગળની જરૂરી સર્જરી માટે છથી આઠ લાખનો ખર્ચ થવાનો હતો, જે તેમને પરવડી શકે એમ નહોતો. ત્યારે સિવિલ હોસ્પિટલમાં આવી સર્જરી મફતમાં થાય છે એવું જાણતાં તેઓ અમદાવાદ આવ્યા.
25 ઓગસ્ટ 2025ના રોજ ડૉ. રાકેશ જોષી, ડૉ. જયશ્રી રામજી, ડૉ. શકુંતલા અને એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડૉ. ભરત મહેશ્વરીની ટીમે ગેસ્ટ્રિક પુલઅપ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરી. સર્જરી બાદ કાર્તિકે કોઈ મુશ્કેલી વિના સ્વસ્થતા મેળવી અને જીવનમાં પહેલીવાર મોંઢાથી ભોજન કરવાનું શરૂ કર્યું.
સર્જરી બાદની અવધિ દરમિયાન કાર્તિકની તબિયત સંતોષકારક રહી અને તેને રજા આપવામાં આવી છે. પરિવારજનોએ સિવિલ હોસ્પિટલના તમામ ડૉક્ટરો અને ટીમનો આભાર માન્યો છે.
આ સફળ સર્જરીએ સિવિલ હોસ્પિટલની પ્રતિષ્ઠા વધુ ઊંચી કરી છે અને સાબિત કર્યું છે કે આ હોસ્પિટલ માત્ર ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશના દર્દીઓ માટે આશાનો કેન્દ્ર બની રહી છે.