
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના વઘઈ ખાતે પશુ વિજ્ઞાન કેન્દ્ર વઘઈ અને પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી નવસારી દ્વારા આધુનિક પશુપાલન સાથે મૂલ્યવર્ધન અને ઉદ્યમશીલતા” વિષય અંતર્ગત ત્રિદિવસીય આવાસીય તાલીમ કાર્યક્રમ તારીખ ૧૦ થી ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમિયાન પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, નવસારી ખાતે સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યો. કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને ડૉ. વી. એસ. ડબાસ (ઈ/ચા.આચાર્યશ્રી, પશુચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, નવસારી) અને મુખ્ય અતિથિ તરીકે ડૉ. કે. એચ. વાઢેર (ઈ/ચા.આચાર્યશ્રી, મત્સ્ય વિજ્ઞાન મહાવિદ્યાલય, કામધેનુ યુનિવર્સિટી, નવસારી) ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત ડૉ. એમ. એમ. ઇસ્લામ (ઈ/ચા.વડા, પીવીકે, વઘઈ) દ્વારા સ્વાગત ભાષણથી કરવામાં આવી, જેમાં તેમણે તાલીમ કાર્યક્રમના ઉદ્દેશો, ઉપયોગિતા તથા પશુપાલકો માટે તેની મહત્વતા અંગે વિસ્તૃત માહિતી આપી. ડૉ. કે. એચ. વાઢેરે પોતાના સંબોધનમાં પશુપાલનમાં નવી ટેક્નોલોજી અને ઉદ્યોગમુખી દૃષ્ટિકોણ અપનાવવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો. ડૉ. વી. એસ. ડબાસ સાહેબે પોતાના અધ્યક્ષીય ભાષણમાં આધુનિક અને વૈજ્ઞાનિક પશુપાલન સાથે મૂલ્યવર્ધન તથા ઉદ્યમશીલતાના અવસરો પર પ્રકાશ પાડી પશુપાલકોને આત્મનિર્ભર બનવા પ્રોત્સાહિત કર્યા.
આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા, તાલીમ માટે તૈયાર કરાયેલ વ્યાખ્યાન નોંધ (ટ્રેનિંગ મેન્યુઅલ) તેમજ બકરાપાલન વિષયક પુસ્તક “બકરાપાલન – એક સપૂર્ણ માર્ગદર્શિકા” નું વિમોચન કરવામાં આવ્યું, જે તાલીમાર્થીઓ અને પશુપાલકો માટે માર્ગદર્શક સાહિત્યરૂપે ઉપયોગી સાબિત થશે. આ તાલીમ કાર્યક્રમના સહ-આયોજક તરીકે ડૉ. ઉત્સવભાઈ એસ. સુરતી તથા ડૉ. એમ. પી. માઢવાતર (મદદનીશ પ્રાધ્યાપક, પીવીકે, વઘઈ) દ્વારા તાલીમની રૂપરેખા અને વિવિધ સત્રોની માહિતી આપવામાં આવી. કાર્યક્રમનું સંયોજન ડૉ. સુનિલભાઈ બી. કાપડી (પશુચિકિત્સા અધિકારી, પીવીકે, વઘઈ) દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવ્યું. આ સમગ્ર કાર્યક્રમ ડૉ. ઉત્સવભાઈ સુરતી અને ડૉ. એમ. પી. માઢવાતર દ્વારા, ડૉ. એમ. એમ. ઇસ્લામ ના નેતૃત્વમાં અને ડૉ. વી. એસ. ડબાસ, ડૉ. જે. એસ. પટેલ (વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર) તેમજ ડૉ. પી. એચ. ટાંક (માનનીય કુલપતિશ્રી, કામધેનુ યુનિવર્સિટી, ગાંધીનગર) ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો.





