DAHODGUJARAT

દાહોદ સબ જેલ ખાતે વ્યસનમુક્તિ અને નશા મુક્તિના જાગૃતિ કાર્યક્રમોનું સફળ આયોજન

તા.૧૩.૦૮.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ સબ જેલ ખાતે વ્યસનમુક્તિ અને નશા મુક્તિના જાગૃતિ કાર્યક્રમોનું સફળ આયોજન

દાહોદ સબ જેલ ખાતે કેદીઓમાં વ્યસનમુક્તિ અને નશા મુક્તિ અંગે જાગૃતિ લાવવા માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું અધ્યક્ષપદ સબ જેલના અધિક્ષક એમ.એલ.ગમારાએ સંભાળ્યું હતું. કાર્યક્રમમાં સમાજ સુરક્ષા કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એસ.કે. તાવિયાડના ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કેદીઓના બાળકોના કલ્યાણ અને શિક્ષણ માટે સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ યોજનાઓ અંગે વિગતવાર સમજ આપી. તેમણે જણાવ્યું કે કેદીઓના બાળકો પણ સમાજના ભવિષ્ય છે, તેથી તેમના વિકાસ માટે ઉપલબ્ધ તમામ સુવિધાઓનો લાભ લેવો અત્યંત જરૂરી છે.લીગલ ક્રેઝ પ્રોબેશન ઓફિસર એ.એજી. કુરેશીએ નશા મુક્તિ અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન પૂરું પાડયું. તેમણે વ્યસનથી થતા આરોગ્ય, કુટુંબ અને સમાજ પરના પ્રતિકૂળ પ્રભાવ વિશે સમજાવ્યું. આ સાથે ઉપસ્થિત તમામ કેદીઓને નશામુક્તિની શપથ લેવડાવવામાં આવી, જેથી તેઓ ભવિષ્યમાં વ્યસનથી દુર રહીને સ્વસ્થ અને સકારાત્મક જીવન જીવી શકે.અધિક્ષક શ્રી એમ.એલ. ગમારાએ પોતાના સંબોધનમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ, કાયદાકીય સુવિધાઓ અને પુનર્વસન કાર્યક્રમોની વિગતવાર જાણકારી આપી. તેમણે કેદીઓને આ યોજનાઓનો યોગ્ય ઉપયોગ કરીને સમાજમાં પુનઃસ્થાપિત થવા પ્રોત્સાહિત કર્યા.કાર્યક્રમ દરમિયાન કેદીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને નશામુક્તિ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. અંતે વિધિપૂર્વક કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો અને તમામ અધિકારીઓ, કર્મચારીઓ તથા સહભાગીઓને આભાર વ્યક્ત કરવામાં આવ્યો

Back to top button
error: Content is protected !!