
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
૭૯માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં રક્તદાન કેમ્પનું સફળ આયોજન
અરવલ્લી જિલ્લામાં ભારતના ૭૯માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે અને ઓપેરશન સિંદૂરની ભવ્ય સફળતાને ગર્વ સાથે બિરદાવવા માટે, જિલ્લાના તમામ તાલુકાઓમાં આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું .આ કેમ્પનું ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકના હસ્તે કરવામાં આવ્યું, જેમાં જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અધિકારી, મોડાસાના પ્રાંત અધિકારી, આરોગ્ય અધિકારી,માહિતી વિભાગ સહિત અનેક અધિકારીઓ અને કર્મચારીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ રક્તદાન કર્યું હતું. આ કેમ્પનું આયોજન જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
અરવલ્લી જિલ્લામાં 79મા સ્વાતંત્ર્ય દિવસની પૂર્વસંધ્યાએ રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગના સહયોગથી યોજાયેલા આ કેમ્પમાં તમામ તાલુકાઓમાં સ્વૈચ્છિક રક્તદાન દ્વારા 230 યુનિટ રક્ત એકત્રિત થયું (સાંજે 4:30 સુધી). આ ઉપરાંત, 12 ઓગસ્ટે આંબેડકર ભવન શિક્ષણ ખાતે 126 યુનિટ અને 13 ઓગસ્ટે માલપુર જાયન્ટ્સ ગ્રૂપ ખાતે 36 યુનિટ રક્ત એકત્રિત થયું હતું.આ કેમ્પ અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓ – મોડાસા, મેઘરજ, ભિલોડા, ધનસુરા, માલપુર અને બાયડમાં યોજાયા હતા. આ કેમ્પમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો, સામાજિક સંસ્થાઓના સભ્યો અને સરકારી કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિકે રક્તદાન કરીને લોકોને આ ઉમદા કાર્ય માટે પ્રેરિત કર્યા અને જણાવ્યું કે, “રક્તદાન એ જીવનદાન છે. આપણે એક યુનિટ રક્ત આપીને કોઈનો જીવ બચાવી શકીએ છીએ.” તેમણે આયોજન માટે આરોગ્ય વિભાગ અને સ્થાનિક વહીવટની પ્રશંસા કરી.
આ કેમ્પમાં આરોગ્ય વિભાગ દ્વારા રક્તદાન પ્રક્રિયા સુરક્ષિત અને વ્યવસ્થિત રીતે થાય તે માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી. રક્તદાતાઓને પ્રમાણપત્ર અને પ્રોત્સાહક ઉપહારો આપવામાં આવ્યા.આ કેમ્પ દ્વારા એકઠા થયેલું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ, ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ, અકસ્માતના શિકાર અને ગંભીર બીમારીઓથી પીડાતા લોકો માટે ઉપયોગી થશે. આ કેમ્પે સમાજમાં સેવાભાવની ભાવનાને વધુ મજબૂત કરી છે.આ પ્રસંગે અધિકારીઓ અને રક્તદાતાઓએ સમાજના તમામ વર્ગોને રક્તદાન જેવા માનવીય કાર્યમાં જોડાવા અપીલ કરી. આ કેમ્પની સફળતા અરવલ્લી જિલ્લાના લોકોના સહકાર અને જાગૃતિનું પ્રતિબિંબ છે.




