છોટાઉદેપુરની શાળાના પ્રાંગણમાં આવેલા લગભગ 150 વર્ષ જૂના લીમડાના વૃક્ષ પર એક બગલો અચાનક ફસાઈ ગયો હતો. વૃક્ષ પર બગલો ફસાયેલો જોયા બાદ શાળાની વિદ્યાર્થીનીએ તાત્કાલિક શિક્ષકને જાણ કરી હતી.
શાળાના જવાબદાર શિક્ષકે વિલંબ કર્યા વગર વન વિભાગ તથા ફાયર વિભાગને માહિતી આપી હતી. માહિતી મળતા જ વન વિભાગના કર્મચારીઓ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
બંને વિભાગોની સંયુક્ત મહેનતથી બગલાને સલામત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો. રેસ્ક્યૂ દરમિયાન બગલો થોડો ઇજાગ્રસ્ત હોવાનું જણાતા તેને તાત્કાલિક સારવાર માટે દવાખાનામાં ખસેડવામાં આવ્યો છે.
આ સમગ્ર ઘટનામાં શાળાની વિદ્યાર્થીની ધારાબેન દિનેશભાઈ રાઠવાએ પશુપ્રેમ અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે. રેસ્ક્યૂ કામગીરીમાં વન રક્ષક કાજલબેન તેમજ ફાયર વિભાગના બારીયા વિજયભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
સ્થાનિક લોકોએ વન વિભાગ અને ફાયર વિભાગની ઝડપી અને માનવતાભરી કામગીરીની પ્રશંસા કરી છે.