
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં દક્ષિણ ડાંગ વન વિભાગ હેઠળ આવતી ચીખલી રેંજના સોનગીર ગામે એક દીપડો કૂવામાં પડી જતા વન વિભાગની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને તેને સહીસલામત બહાર કાઢ્યો હતો.આ ઘટનાની જાણ થતા જ ચીખલી રેંજના આર.એફ.ઓ. (રેંજ ફોરેસ્ટ ઓફિસર) સરસ્વતીબેન ભોયા અને તેમનો સમગ્ર સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો.આ સમગ્ર બચાવ કામગીરી દક્ષિણ વન વિભાગના ઇન્ચાર્જ ડી.સી.એફ. (નાયબ વન સંરક્ષક) મુરાલીલાલ મિણા અને એ.સી.એફ. (સહાયક વન સંરક્ષક) આરતી ડામોરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.ચીખલી રેંજનાં આર.એફ.ઓ. સરસ્વતીબેન ભોયાની ટીમે અત્યંત ઝડપ અને કાળજીપૂર્વક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડ્યુ હતુ.કૂવામાં ફસાયેલા દીપડાને સલામત રીતે બહાર કાઢીને તેને જંગલમાં મુક્ત કરવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.સ્થાનિકોએ વન વિભાગની આ સરાહનીય કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો હતો.આ સફળ રેસ્ક્યુ ઓપરેશનથી દક્ષિણ ડાંગ વન વિભાગની સજ્જતા અને વન્યજીવો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થઈ છે.





