રાજ્ય સરકારના ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024 અંતર્ગત જિલ્લાની તમામ હોસ્પિટલો અને ક્લિનિક માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ જિલ્લાની તમામ નાની-મોટી હોસ્પિટલો માટે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2024 હેઠળ રજીસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. રાજ્ય સરકારના આદેશ અનુસાર, તમામ હોસ્પિટલે 12 માર્ચ 2025 સુધીમાં રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું પડશે. જે બાદમાં 12 માર્ચ 2025 સુધીમાં હોસ્પિટલની અરજીના આધારે હોસ્પિટલની તપાસ કરાશે. અત્યાર સુધી રાજ્યમાં બોમ્બે નર્સિંગ એકટ મુજબ રજીસ્ટ્રેશન થતું હતું પણ આ કાયદો ચાર વર્ષ પહેલા નાબુદ થયા બાદ ગુજરાતમાં ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો પરંતુ તે અંતર્ગત 50 બેડથી ઉપરની હોસ્પિટલનું જ રજીસ્ટ્રેશન કર્યું હતું. જો કે હવે સરકારે તમામ નાની મોટી હોસ્પિટલનું રજીસ્ટ્રેશન કરવા આદેશ આપ્યો છે. આ અંગે ભરૂચ સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સિવિલ સર્જન ડોક્ટર અભિનવ શર્માએ જણાવ્યું હતું કે દર્દીઓને ગુણવત્તા યુક્ત આરોગ્યપ્રદ સેવાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા આ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે જેમાં તમામ હોસ્પિટલ અને ક્લિનિકના સંચાલકોએ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને આ માટે ઓનલાઇન પોર્ટલ પણ શરૂ કરવામાં આવ્યું છે.



