
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દક્ષિણ ગુજરાતમાં પાણી પુરવઠા વિભાગના ઈજનેરો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતનો એક ભયાનક નમૂનો સુરતના ગાય પગલા પાણી પુરવઠા યોજનામાં જોવા મળ્યો છે. અંદાજે ₹21 કરોડના ખર્ચે તૈયાર થયેલી યોજનાની 11 લાખ લિટરની ટાંકી તેના પ્રથમ ટ્રાયલ દરમિયાન જ પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. આ ગંભીર બેદરકારી બદલ સરકારે લાલ આંખ કરી છે અને આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા તત્કાલીન જવાબદાર અધિકારી આર.જે. ચૌધરી (કાર્યપાલક ઈજનેર, પાણી પુરવઠા વિભાગ – ડાંગ) ને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી અંજાર ખાતે સજાના ભાગરૂપે બદલી કરી દેવામાં આવી છે.સુરત જિલ્લાના ગાય પગલા પાણી પુરવઠા યોજના હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડવા માટે કરોડોના ખર્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરાયું હતું. નિર્માણ પૂર્ણ થયા બાદ જ્યારે એન્જિનિયરો દ્વારા ટાંકીમાં પાણી ભરીને ચેકિંગ (ટ્રાયલ) કરવામાં આવી રહ્યું હતું, ત્યારે જ આખી ટાંકી કકડભૂસ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 3 મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જો આ ઘટના યોજના લોકાર્પણ થયા બાદ બની હોત, તો મોટી જાનહાનિ થઈ શકી હોત.તપાસમાં બહાર આવ્યું છે કે જ્યારે આ ટાંકીનું નિર્માણ થઈ રહ્યું હતું, ત્યારે તેની સીધી દેખરેખ અને વહીવટી જવાબદારી કાર્યપાલક ઈજનેર આર.જે.ચૌધરીના હસ્તક હતી. સુરતમાં પાપનો ઘડો ફૂટ્યા બાદ હવે તેમના હાલના કાર્યક્ષેત્ર ડાંગ જિલ્લામાં પણ તપાસની માંગ ઉઠી છે.
કાર્યપાલક ઈજનેર આર.જે. ચૌધરીની ડાંગમાં નિમણૂક થયા બાદ પાણી પુરવઠાની અનેક યોજનાઓમાં ‘બંદરબાટ’ થઈ હોવાના ગંભીર આક્ષેપો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ડાંગ જેવા આદિવાસી અને ડુંગરાળ વિસ્તારમાં કરોડો રૂપિયાની યોજનાઓ માત્ર કાગળ પર મજબૂત દેખાય છે, પણ વાસ્તવમાં ત્યાં ‘લોલમલોલ’ કામગીરી ચાલી રહી છે.ડાંગ જિલ્લામાં પાણી પુરવઠાના કામોમાં અધિકારી અને કોન્ટ્રાક્ટરોની એવી સાંઠગાંઠ જામી હતી કે હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરવા છતાં કોઈ અવાજ ઉઠાવનાર નહોતું. સુરતની ઘટનાએ સાબિત કરી દીધું છે.પાણી પુરવઠાનાં કાર્યપાલક ઈજનેર આર.જે. ચૌધરીના કાર્યકાળમાં ગુણવત્તાના ધોરણોને નેવે મૂકવામાં આવ્યા હતા.સરકારે આર.જે. ચૌધરીને સસ્પેન્ડ કરીને અંજાર તો મોકલી દીધા છે, પરંતુ જનતામાં ભારે રોષ છે. ડાંગ અને સુરતમાં જે રીતે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે, તે જોતા આ અધિકારીની અપ્રમાણસર મિલકતોની એસીબી (ACB) દ્વારા તપાસ થાય તેવી લોક માંગ પણ જોવા મળી રહી છે..





