નવસારી જિલ્લાનાં એરૂ ખાતે જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને સુરત ઝોન કક્ષાનો ભૂલકાં મેળો યોજાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
*કુપોષણ મુકત નવસારી ફેઝ-૪ હેઠળ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૫૨૮ ભુલકાઓને પોષણ કીટ વિતરણ તેમજ ગરમ પોશાક વિતરણ કરાયું*


એરૂ ખાતે યોજાયેલા ભૂલકાં મેળામાં ૩ થી ૬ વર્ષના આંગણવાડીના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ‘પા પા પગલી’ યોજના અંતર્ગત પીએચસી ઇન્ટ્રક્ટરો દ્વારા કુલ-૮ તથા આંગણવાડી બહેનો દ્વારા અલગ અલગ કુલ-૦૮ જેટલી મનોરંજક કૃતિઓ તૈયાર કરી મહાનુભાવો સમક્ષ રજુ કરી હતી. આ ઉપરાંત વિવિધ થીમ પ્રમાણે બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાને રાખીને તૈયાર કરવામાં આવેલ ટીચિંગ લર્નિંગ મટીરીયલ બનાવી બાળકોને રમત-ગમત સાથે સરળતાથી જ્ઞાન આપવાની રચનાત્મક પ્રવૃત્તિઓ અંગે સ્ટોલ પ્રદર્શન કરાયા હતા.
સુરત ઝોન કક્ષાના આ ભુલકા મેળામાં કુલ-૭ જેટલા જિલ્લાઓ જેમાં નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચ, તાપી, નર્મદા, સુરત અર્બન અને સુરત ગ્રામ્ય દ્વારા ભાગીદારી નોંધાવામાં આવી હતી. ઝોન કક્ષાએ વિજેતા થયેલી કૃતિઓને રાજ્યકક્ષાએ રજુ કરવામાં આવશે.
આ પ્રસંગે કુપોષણ મુકત નવસારી ફેઝ-૪ હેઠળ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૫૨૮ ભુલકાઓને પોષણ કીટ વિતરણ તેમજ ગરમ પોશાક વિતરણ કરાયું હતું. આ સાથે કુપોષણ મુકત નવસારી ફેઝ-૩ હેઠળ ઉચ્ચ કક્ષાની કામગીરી કરનાર આંગણવાડી વર્કરોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે, બાળકના સર્વાંગી વિકાસ અને ડેવલોપમેન્ટ એસેસમેન્ટ અંગે વાલીઓ માહિતી મેળવી ઘરમાં તે અંગેનું વાતાવરણ પૂરું પાડે, આંગણવાડી કાર્યકર બહેનો ડેવલોપમેન્ટ એસેસમેન્ટ અને અભ્યાસક્રમ આધારીત શીખવા-શીખવવાની સામગ્રી અંગે માહિતી મેળવે અને તેના યોગ્ય ઉપયોગની સમજણ મેળવે, બાળકોના મુક્ત આનંદ અને સર્વાંગી વિકાસમાં ઉપયોગી વિવિધ પ્રવૃતિઓનો અનુભવ મળે તેમજ બાળકોને આંગણવાડીમાં નિયમિત આવવા બાબતે ઉત્સાહ અને રસ કેળવાય તે ઉદેશો સાથે ભૂલકાં મેળા યોજવામાં આવે છે.
ભૂલકા મેળામાં વિવિધ ધારાસભ્યશ્રીઓ, જિલ્લા કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા, નવસારી જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી કોમલ ઠાકોર, જિલ્લા તાલુકાના વિવિધ પદાધિકારીઓ, અલગ અલગ જિલ્લાથી ભુલકા મેળામાં સહભાગી થવા આવેલા આંગણવાડી વર્કર અને બાળકો તથા વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



