SURATSURAT CITY / TALUKO

સુરત: તાતીથૈયાની ‘ઇન્ડિયન પબ્લિક સ્કૂલ’ વિરુદ્ધ થયેલી તપાસનો અહેવાલ માંગતી RTI; વાલી મંડળ આક્રમક

સુરત:
બાળકોના ભવિષ્ય અને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનાર શાળાઓ સામે હવે વાલી મંડળોએ લાલ આંખ કરી છે. સુરતના પલસાણા તાલુકાના તાતીથૈયા ખાતે આવેલી ‘ઇન્ડિયન પબ્લિક સ્કૂલ’ વિરુદ્ધ થયેલી ગંભીર ફરિયાદના મામલે હવે તપાસના દસ્તાવેજો જાહેર કરવાની માંગ ઉઠી છે. ‘ઓલ સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ વેલ્ફેર એસોસિએશન’ ના પ્રમુખ દ્વારા આ અંગે માહિતી અધિકાર (RTI) હેઠળ વિગતો માંગવામાં આવી છે.

ગત ૨૨ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ વાલી મંડળ દ્વારા ઇન્ડિયન પબ્લિક સ્કૂલ વિરુદ્ધ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (DPEO) કચેરી, સુરત ખાતે લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં શાળામાં ભણતા બાળકોના જીવનું જોખમ, સુરક્ષાના અભાવ અને બાળકોના માનસિક-શારીરિક સ્વાસ્થ્ય સાથે થતી ખીલવાડના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.

આ ફરિયાદના આધારે જિલ્લા પંચાયતની શિક્ષણ શાખા દ્વારા ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ પત્ર ક્રમાંક ૨૪૮૬૧ થી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી (TPEO), પલસાણાને સ્થળ તપાસ કરી અહેવાલ સોંપવા આદેશ કરવામાં આવ્યો હતો. જોકે, આ તપાસમાં શું બહાર આવ્યું અને તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

RTI દ્વારા દસ્તાવેજોની માંગણી
વાલી મંડળના પ્રમુખ ચિરાગ ધનશ્યામભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવેલી નવી RTI અરજીમાં મુખ્ય બે મુદ્દાઓ પર માહિતી માંગવામાં આવી છે:
* તપાસ અધિકારી દ્વારા DPEO કચેરીને સોંપવામાં આવેલા તમામ પત્રો અને દસ્તાવેજોની પ્રમાણિત નકલ.
* તપાસના અહેવાલના આધારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી દ્વારા શાળા વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીના પુરાવા.

બાળકો એ ભારતનું ભવિષ્ય છે. જો કોઈ શાળા તેમના સ્વાસ્થ્ય અને શિક્ષણ સાથે ખિલવાડ કરતી હોય તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ. અમે આ લડતને ન્યાય મળે ત્યાં સુધી ચાલુ રાખીશું.” – ચિરાગ ઠક્કર (પ્રમુખ, વાલી મંડળ)

હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ આ તપાસ અહેવાલ જાહેર કરે છે કે કેમ અને દોષિતો સામે કોઈ નક્કર પગલાં લેવામાં આવે છે કે પછી મામલો દબાવી દેવામાં આવે છે…

Back to top button
error: Content is protected !!