સુડા (SUDA) ના રેકર્ડ પર પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ‘લાભાર્થી’ જ ગાયબ, RTI માં મોટો ખુલાસો

સુરત | ખાસ પ્રતિનિધિ
સુરત શહેરી વિકાસ સત્તામંડળ (SUDA) માં પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) ના અમલીકરણ અને પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. એક RTI (માહિતી અધિકાર) ના જવાબમાં સત્તામંડળ દ્વારા કરવામાં આવેલી કબૂલાતે વહીવટી તંત્રમાં દોડધામ મચાવી દીધી છે. અરજદારે માંગેલી વિગતોના જવાબમાં સુડાએ સ્પષ્ટ કર્યું છે કે, જેમના નામે આવાસ મંજૂરીની વિગતો માંગવામાં આવી છે, તે નીરંજન નટવરભાઈ રાઠોડ નામની કોઈ વ્યક્તિ કે તેવો કોઈ ‘લાભાર્થી કોડ’ સરકારી રેકર્ડ પર ઉપલબ્ધ જ નથી.
*શું છે સમગ્ર મામલો?*
અરજદાર દ્વારા તા. ૦૭/૧૧/૨૦૨૫ ની એક અરજીના સંદર્ભમાં લાભાર્થી કોડ નંબર ૦૩૨૪૮૦૨૬૨૯૬૧૯૬૧૪૫૮૧ હેઠળ આવાસ મંજૂરી માટે રજૂ થયેલા કાગળો, જીઓ-ટેગિંગ કરનાર અધિકારીઓની વિગતો અને મંજૂરીના પત્રો માંગવામાં આવ્યા હતા. જોકે, સુડાના નાયબ કાર્યપાલક ઈજનેર (આવાસ) અને જાહેર માહિતી અધિકારીએ લેખિતમાં જણાવ્યું છે કે:
* નકલી લાભાર્થીની આશંકા?: સરકારશ્રીના સત્તાવાર રેકર્ડમાં આ નામ કે કોડ ધરાવતી કોઈ વ્યક્તિ જ નથી. આથી સવાલ એ થાય છે કે શું આ કોઈ ડમી લાભાર્થીનો મામલો છે કે પછી રેકર્ડ સાથે છેડછાડ થઈ છે?
* માહિતી ‘મામુર’ જાહેર કરાઈ: આવાસ મંજૂર કરનાર અધિકારીનો અભિપ્રાય કે જીઓ-ટેગિંગની કામગીરી અંગેની તમામ વિગતો ‘મામુર’ (નિલ) હોવાનું જણાવી તંત્રએ હાથ ખંખેરી લીધા છે.
* કોન્ટ્રાક્ટર સાથે કોઈ કરાર નહીં: આવાસ યોજનાની ગાઈડલાઈનનો હવાલો આપી જણાવવામાં આવ્યું છે કે બાંધકામ લાભાર્થી સંચાલિત હોય છે, તેથી તંત્ર કોઈ પણ કોન્ટ્રાક્ટર સાથે કરાર કરતું નથી.
*તંત્રના જવાબથી અનેક સવાલો ઉભા થયા:*
૧. જો રેકર્ડમાં નામ નથી, તો આ કોડ નંબર ક્યાંથી આવ્યો?
૨. શું કોઈ ગેરરીતિ આચરવા માટે આ પ્રકારના ડમી નંબરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે?
૩. જીઓ-ટેગિંગ વગર આવાસની પ્રક્રિયા આગળ વધી શકે ખરી?
જાહેર માહિતી અધિકારીના આ ચોંકાવનારા જવાબથી નારાજ અરજદાર હવે ૩૦ દિવસની અંદર કાર્યપાલક ઈજનેર, સુરત શહેરી વિકાસ સત્તામંડળ (વેસુ) સમક્ષ પ્રથમ અપીલ કરી શકશે. આ મામલો આગામી દિવસોમાં વધુ ગરમાય તેવી પૂરેપૂરી શક્યતા છે.





