રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો, સુરતમાં 9.53 ઈંચ વરસાદ
રાજ્યમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સોમવારે (23 જૂન) સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 135 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરત સિટીમાં 9.53 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેમાં 42 તાલુકામાં 1 થી 9 ઈંચ સુધીનો વરસાદ પડ્યો છે. ચાલો જાણીએ કયા તાલુકામાં કેટલો વરસાદ વરસ્યો.
રાજ્યમાં 23 જૂન સાંજે 6 વાગ્યા સુધીમાં 135 તાલુકામાં હળવાથી અતિભારે વરસાદ ખાબક્યો છે. જેમાં સુરસ જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળી છે, ત્યારે સુરતના કામરેજમાં 7.36 ઈંચ, પલસાણામાં 6.3 ઈંચ, બારડોલીમાં 4.8 ઈંચ, તાપીના ડોલવણમાં 4.29 ઈંચ, સુરતના ઓલપાડમાં 4.21 ઈંચ, આણંદના બોરસદમાં 3.62 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે 93 થી વધુ તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર, એ. કે. દાસે જણાવ્યું હતું કે, 27 જૂને રથયાત્રામાં વરસાદ પડવાની શક્યતા છે. આજે અમદાવાદમાં યેલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી છે. આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે અતિભારે વરસાદની આગાહી છે. આગામી 4 દિવસ વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, આજે દાહોદ, વડોદરા, નવસારી, સુરત, છોટાઉદેપુર, ગીરસોમનાથ, ભાવનગર, દ્વારકામાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. આગામી 24થી 27 જૂન ભારે વરસાદની આગાહી છે. 24 જૂન સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. તેમજ 25-29 જૂન સુધી દરિયા કાંઠાના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં અપર એર સાયકલોનીક સર્ક્યુલેશન સર્જાતા રાજ્યમાં વરસાદની આગાહી છે.