
પલસાણા, સુરત ગ્રામ્ય
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામની સાંઈદીપ સોસાયટીમાં ગત ૨૨ માર્ચના રોજ થયેલી હિંસક મારામારી અને ચપ્પુબાજીના ગુનામાં પલસાણા પોલીસે ગણતરીના દિવસોમાં મુખ્ય આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પકડાયેલ આરોપી માર્શલ ઉર્ફે બોબ જાદવ સામે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શું હતી સમગ્ર ઘટના?
ગત તારીખ ૨૨/૦૩/૨૦૨૬ના રોજ સાંજે સાતેક વાગ્યાના અરસામાં જોળવા સ્થિત સૂરજ પબ્લિક સ્કૂલ પાસે આકાશ કેશવકાંત મિશ્રા અને તેના મિત્ર ધીરજ પાલ પર જીવલેણ હુમલો થયો હતો. હુમલા પાછળનું કારણ એ હતું કે આરોપી રાહુલ, આકાશની બહેનપણીની બહેનને મેસેજ કરતો હતો. આ બાબતે આકાશ તેને સમજાવવા જતાં મામલો બિચક્યો હતો.
આ ઝઘડામાં રાહુલ અને હાર્દિકે આકાશ સાથે ઝપાઝપી શરૂ કરી હતી, ત્યારબાદ સોહમ ઉર્ફે કાલુ બાદશાહ અને માર્શલે ત્યાં આવીને મામલો વધુ ઉગ્ર બનાવ્યો હતો. માર્શલે તેની પાસે રહેલ ચપ્પુ વડે આકાશના માથા અને પેટના ભાગે ઘા ઝીંકી દીધા હતા. જ્યારે આકાશનો મિત્ર ધીરજ તેને બચાવવા વચ્ચે પડ્યો, ત્યારે માર્શલે તેના પર પણ ચપ્પુથી હુમલો કરી મોઢા તથા છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
પોલીસની ત્વરિત કાર્યવાહી
આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંગ તથા સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢીયાએ આરોપીઓને તાત્કાલિક પકડવા માટે સૂચના આપી હતી. બારડોલી વિભાગના ડીવાયએસપી શ્રી એચ.એલ. રાઠોડ અને પલસાણા ઇન્ચાર્જ પી.આઈ. એસ.એમ. પટેલના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરવામાં આવી હતી.
બાતમીના આધારે ધરપકડ
પલસાણા પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે અ.હે.કો. નિકેતકુમાર અને અ.હે.કો. અમૃતભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે ગુનાનો મુખ્ય આરોપી માર્શલ ઉર્ફે બોબ હાલમાં સાંઈદીપ સોસાયટીના ગેટ પાસે ઊભો છે. પોલીસે વોચ ગોઠવીને ૨૦ વર્ષીય આરોપી માર્શલ ઉર્ફે બોબ મનોજભાઈ હુસેન જાદવ (રહે. સાંઈ આંગન સોસાયટી, જોળવા) ને ઝડપી પાડ્યો હતો.
પલસાણા પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૯, ૧૧૮(૨), ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૫૪ તથા જી.પી. એક્ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા સુરત કામરેજ




