
કામરેજ, સુરત સુરત જિલ્લાના કામરેજ તાલુકાની નવી પારડી ગ્રામ પંચાયત અને વિદ્યામંગલ કડવા પાટીદાર નિવાસી શાળા વચ્ચે મિલકત વેરાને લઈને મોટો વિવાદ વકર્યો છે. લાખો રૂપિયાનો વેરો બાકી હોવા છતાં સંસ્થા દ્વારા યોગ્ય પ્રતિસાદ ન મળતા હવે સરપંચ દ્વારા શાળાને સીલ મારવાની કડક ચીમકી આપવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો?
નવી પારડી ગ્રામ પંચાયતની હદમાં આવેલી વિદ્યામંગલ કડવા પાટીદાર નિવાસી શાળા (મિલકત નંબર: ૪૮૩) નો કુલ ₹૩૨,૩૫,૪૩૦ (બત્રીસ લાખ પાંત્રીસ હજાર ચારસો ત્રીસ) જેટલો માતબર મિલકત વેરો છેલ્લા ઘણા સમયથી બાકી છે. પંચાયત દ્વારા વારંવાર મૌખિક અને લેખિત રજૂઆતો કરવા છતાં સંસ્થા દ્વારા વેરો ભરપાઈ કરવામાં આવ્યો નથી.
સંચાલકોના ‘બહાના’ અને પંચાયતનું ૭ દિવસનું અલ્ટીમેટમ સૂત્રોના જણાવ્યા અનુસાર
તાજેતરમાં પંચાયત અને સંસ્થાના હોદ્દેદારો વચ્ચે મળેલી મીટિંગમાં સંચાલકોએ એવું બહાનું આગળ ધર્યું હતું કે “અમારા માણસો અત્યારે વિદેશમાં છે, તેઓ આવે પછી રસ્તો કરીશું.” જોકે, પંચાયત હવે આ પ્રકારના બહાના સાંભળવાના મૂડમાં નથી.
સરપંચ છનાભાઈ બાબુભાઈ રાઠોડ દ્વારા ‘ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩’ ની કલમ-૨૧૫(૧) હેઠળ આખરી નોટિસ ફટકારીને ૭ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો નિર્ધારિત સમયમાં વેરો નહીં ભરાય તો:
* શાળાની મિલકત સીલ કરી દેવામાં આવશે.
* મિલકત પર સરકારી બોજો દાખલ કરવામાં આવશે.
* જરૂર પડ્યે મિલકત જપ્ત કરવાની કાર્યવાહી પણ હાથ ધરાશે.
ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચી ફરિયાદ
આ મામલે પંચાયત દ્વારા માત્ર નોટિસ જ નથી આપવામાં આવી, પરંતુ તેની નકલ સુરત કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી (DDO), તાલુકા વિકાસ અધિકારી (TDO) અને સુડા (SUDA) ભવનને પણ રવાના કરી દેવામાં આવી છે. તંત્રના આ કડક વલણને પગલે ગામના અન્ય મોટા બાકીદારોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
*હવે જોવાનું એ રહ્યું કે, શું વિદ્યામંગલ શાળા ૭ દિવસમાં વેરો ભરીને કાર્યવાહીથી બચશે કે પછી પંચાયત ખરેખર શાળાને સીલ મારીને દાખલો બેસાડશે?*
રિપોર્ટર: કલ્પેશ ધામેલીયા
સ્થળ: કામરેજ, સુરત





