સુરત ખજોદ વેસ્ટ સાઈટ પર ભયંકર આગ કે પુરાવા સળગાવવાનું કૌભાંડ? SMC અને કોન્ટ્રાક્ટરની મિલીભગત સામે ઉઠતા સવાલો

રિપોર્ટર:-કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત
સુરત: સુરતના ખજોદ સ્થિત ડિસ્પોઝલ સાઈટ પર લાગેલી વિકરાળ આગે હવે રાજકીય અને વહીવટી મોરચે ગરમાવો લાવી દીધો છે. આ આગ માત્ર અકસ્માત છે કે પછી ૫૦૦૦ ટન કચરાના ગેરકાયદે નિકાલના પુરાવા નાબૂદ કરવાનું સુનિયોજિત કાવતરું? તેવા ગંભીર આક્ષેપો સાથે નાગરિકો અને સામાજિક કાર્યકરોએ સુરત મહાનગર પાલિકા (SMC) ના કમિશનર અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) સામે મોરચો માંડ્યો છે.
તપાસના નામે ‘નાટક’ અને અધિકારીઓની નિષ્ક્રિયતા
મળતી વિગતો મુજબ, સીડી ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા હજારો ટન ઘન કચરાનો બિનકાયદેસર નિકાલ કરવાની ઘટના બાદ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં તપાસ સમિતિ બની હતી. જોકે, આશ્ચર્યની વાત એ છે કે ૩ મહિના વીતવા છતાં આ સમિતિએ હજુ સુધી સાઈટની મુલાકાત પણ લીધી નથી. આ વિલંબને કારણે કોન્ટ્રાક્ટર બેફામ બન્યો હોવાનું અને અધિકારીઓ પરથી અંકુશ ગુમાવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
કરોડોના બિલો પાસ કરાવવા આગ લગાડાયાની આશંકા
સ્થાનિકો અને જાગૃત નાગરિકોનો આક્ષેપ છે કે: બિન-પ્રોસેસ થયેલા કચરાના પુરાવા મિટાવવા માટે જાણી જોઈને આગ લગાડવામાં આવી છે. આ આગ પાછળનો હેતુ કોન્ટ્રાક્ટરના અંદાજે રૂ. ૧૦૦ કરોડથી વધુના બાકી બિલો સહેલાઈથી પાસ કરાવવાનો હોઈ શકે છે. અગાઉ સીસીટીવી તપાસની માંગણી કરવા છતાં પાલિકા કમિશનરે પોલીસ તપાસ ન કરાવી, જેના પરિણામે આજે આ ગંભીર સ્થિતિ પેદા થઈ છે.
ઝેરી ધુમાડાથી જનઆરોગ્ય જોખમમાં ખજોદની આગને કારણે લાખો ટન કચરો સળગી રહ્યો છે, જેનાથી સુરત શહેરના AQI (Air Quality Index) માં મોટો ઉછાળો આવ્યો છે. ઝેરી ધુમાડાને કારણે વૃદ્ધો અને બાળકોમાં શ્વાસની તકલીફ, ખાંસી અને એલર્જીના કેસો વધી રહ્યા છે. GPCB દ્વારા હજુ સુધી કોઈ કડક પગલાં ન લેવાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ છે.
નાગરિકોની મુખ્ય માંગણીઓ:
* ACB તપાસ: અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ચાલતા આ ‘કચરા કૌભાંડ’ની તપાસ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા કરવામાં આવે.
* બ્લેકલિસ્ટિંગ: જવાબદાર એજન્સીને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરી તેના તમામ પેમેન્ટ અટકાવવામાં આવે.
* કાયદાકીય કાર્યવાહી: SMC કમિશનર અને જવાબદાર અધિકારીઓ સામે Environment (Protection) Act, 1986 અને Air Act, 1981 હેઠળ ગુનો નોંધાય.
* પોલીસ તપાસ: આગ લાગવાના વાસ્તવિક કારણો જાણવા માટે નિષ્પક્ષ પોલીસ તપાસ હાથ ધરવામાં આવે.
”જો વહીવટી તંત્ર હજુ પણ ઢીલાશ કે ઢાંકપીછોડો કરશે, તો આ મામલે ઉચ્ચ ન્યાયિક અદાલતના દ્વાર ખખડાવવાની ચીમકી પણ આપવામાં આવી છે.”





