સુરતના યુનિવર્સલ ફાઉન્ડેશનની સ્વચ્છતા અને પ્રકૃત્તિ સંરક્ષણ માટે શુભ શરૂઆત: ‘આશરો’
નવરાત્રિની આરાધના બાદ ગરબા રઝળે નહીં અને સ્વચ્છતા જળવાય એ માટે ગરબાઓને એકત્ર કરી પક્ષીઓના આશ્રયસ્થાનમાં પરિવર્તિત કર્યા
યુનિવર્સલ ફાઉન્ડેશને માતાજીની આરાધનાના પ્રતિક ગરબાને ‘પંખીનો આશરો’ બનાવ્યો
નવરાત્રિમાં ગરબાને નજીકના વૃક્ષે બાંધી બારેમાસ માતાજીની આરાધના કરો: યુનિવર્સલ ફાઉન્ડેશનની અપીલ
———
સુરત:સોમવાર: નવરાત્રિ દરમિયાન સમગ્ર રાજ્યમાં નવ દિવસ માની અખંડ આરાધના માટે ગરબો એ શ્રદ્ધાનું પ્રતિક હોય છે. સદીઓથી જગદંબાની આરાધના કરાવતો ગરબો આસ્થાને જીવંત રાખે છે. આ ગરબાની ગરિમા જાળવવા સુરતના યુનિવર્સલ ફાઉન્ડેશને ‘આશરો’ નામથી શુભ શરૂઆત કરી છે અને માતાજીની આરાધનાના પ્રતિક ગરબાને ‘પંખીનો આશરો’ બનાવ્યો છે. સ્વચ્છતા હી સેવા સંકલ્પને સાર્થક કરતા સંસ્થાના સેવાભાવી સભ્યોએ નવરાત્રિની આરાધના બાદ ગરબા રઝળે નહિ, સ્વચ્છતા પણ જળવાય અને પર્યાવરણ-પ્રકૃત્તિ સંરક્ષણનો હેતુ પણ સફળ થાય એ માટે ગરબાઓને એકત્ર કરી, વૃક્ષો પર મજબૂત રીતે તાર વડે બાંધીને પક્ષીઓના આશ્રયસ્થાનમાં પરિવર્તિત કર્યા છે.
આ પહેલ શરૂ કરનાર યુનિવર્સલ ફાઉન્ડેશનના સંસ્થાપક પ્રકાશકુમાર વેકરીયાએ સુરત મહાનગર પાલિકા, મોટાવરાછા ઝોન બી. ની મદદથી ગરબાઓને એકત્ર કરવાનું અભિયાન ઉપાડ્યું છે. તેઓ લોકોને પ્રેરક વિડીયોના માધ્યમથી આ માટે જાગૃત્ત પણ કરી રહ્યા છે.
નવરાત્રિમાં ગરબાને નજીકના વૃક્ષે બાંધી બારેમાસ માતાજીની આરાધના કરવાની અપીલ કરતા તેમણે જણાવ્યું કે, ગણેશ ઉત્સવમાં મૂર્તિ વિસર્જન, શ્રાદ્ધમાં થતો ખોરાકનો વેડફાટ તેમજ બારેમાસ તાપી નદીમાં ફેંકવામાં આવતો પૂજાપો તાપી નદી અને શહેરને ગંદુ કરે છે. સ્વચ્છતામાં નંબર-૧ની જાળવણી કરવી એ પણ આપણી ફરજ છે. યુનિવર્સલ ફાઉન્ડેશન લોકોની ધર્મભાવનાને ઠેસ પહોંચાડ્યા વિના લોક હિત માટે રાષ્ટ્રકાર્ય-સામાજિક કાર્યો કરીએ છીએ.
ધર્મસંરક્ષણ હેતુ વિશ્વ શંખનાદ અભિયાન, કોરોના રસીકરણ, જીવન રક્ષા, પર્યાવરણ રક્ષા, ડિઝાસ્ટર અને સ્વરક્ષણ તાલીમો, સ્વચ્છતા અભિયાન, નદી શુદ્ધિકરણ વગેરે બાદ ગરબાઓનો સદુપયોગ કરી લોકોના સહયોગથી અબોલ પંખીઓ માટે ‘આશરો’ અભિયાન શરૂ કર્યું છે. જે અબોલ પક્ષીઓ અને પ્રકૃતિની સેવા સાથે સ્વચ્છતા જાળવણીમાં પણ ઉપયોગી બનશે એમ શ્રી વેકરીયાએ જણાવ્યું હતું.