LUNAWADAMAHISAGAR

મહિસાગર જીલ્લામાં બે બાળ લગ્ન અટકાવવામાં આવ્યા

વાત્સલ્ય સમાચાર આસીફ શેખ લુણાવાડા

મહિસાગર જીલ્લામાં બે બાળ લગ્ન અટકાવવામાં આવ્યા

બાળ લગ્ન કરવામાં આવે તો બે વર્ષની સખત કેદની સજા અથવા રૂપિયા એક લાખના દંડની સજા થવા પાત્ર છે.

બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી મહીસાગર ખાતે કડાણા તાલુકામાં અને સંતરામપુર તાલુકામાં બે અલગ અલગ બાળ લગ્નના આયોજન અંગેની માહિતી મળેલ હતી. જે સંદર્ભે તપાસ હાથ ધરી બાળકોના ઉમરના પુરાવા મેળવવામાં આવ્યા હતા અને બંને લગ્ન એ બાળ લગ્ન હોવાનું માલૂમ પડેલ હતું. જેમાં કડાણા ખાતે બાળ લગ્નનું આયોજન કરનાર બાળકના માતાપિતાને બાળ લગ્ન ન કરવાની નોટીસ પાઠવવામાં આવી હતી તેમજ નામદાર કોર્ટમાથી દીકરીની ઉંમર ૧૮ વર્ષની ન થાય ત્યાં સુધી લગ્ન ન કરવા અંગે મનાઈ હુકમ મેળવી બાળલગ્ન અટકાવવામાં આવ્યા હતા.

સંતરામપુર તાલુકામાં મળેલ બાળલગ્નના આયોજનની માહિતી મુજબ દીકરીના વાલીને બાળલગ્ન ન કરવાની નોટીસ આપીને દીકરીના ૧૮ વર્ષ પૂર્ણ થયેથી જ લગ્ન કરાવવામાં આવશે તે બાબતની બાહેધરી મેળવવામાં આવી હતી.

બાળલગ્ન પ્રતિબંધક ધારો-૨૦૦૬ અન્વયે જો પુરુષ હોય તો જેણે ૨૧ વર્ષની ઉંમર પૂરી કરી નથી અને જો સ્ત્રી હોય તો જેણે ૧૮ વર્ષની પુરી કરી નથી તેવા બંને પક્ષ અથવા બે પક્ષ પૈકી કોઇ પણ પક્ષે નિર્ધારિત ઉંમર પુરી કરેલ ના હોય તેવા યુગલો વચ્ચે લગ્ન થતા હોય તો તેને બાળલગ્ન કહેવામાં આવે છે. જ્યારે પણ લગ્નનુ આયોજન કરવામાં આવે ત્યારે દિકરા દિકરીની ઉંમર ચકાસવી ખુબ જરૂરી છે. બાળ લગ્ન કરવામાં આવે તો બે વર્ષની સખત કેદની સજા અથવા રૂપિયા એક લાખના દંડની સજા થવા પાત્ર છે.

લગ્નનું આયોજન કરનાર તમામ વાલી અને કુટુંબ તથા સમાજના આગેવાનોને જણાવવાનું કે, જે સંતાનોના લગ્ન ગોઠવવામાં આવે છે તેમની બાળલગ્ન પ્રતિબંધક ધારો-૨૦૦૬ અન્વયે ઉંમરની ચોક્કસ ખાતરી કરવી અને ત્યારબાદ જ લગ્નનું આયોજન કરવામાં આવે તે સુનિશ્ચિત કરવું.

જિલ્લામાં કોઈપણ જગ્યાએ બાળ લગ્ન કરાવવાના આયોજન વિશે માહિતી હોય તો તાત્કાલિક બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, રૂમ નં. ૨, ભોય તળીયે, બ્લોક નંબર-૨, જિલ્લા સેવા સદન, મહીસાગર લુણાવાડા ફોન નં.૦૨૬૭૪-૨૫૨૯૬૮ અથવા E-mail [email protected] પર, જિલ્લા બાળ સુરક્ષા એકમ, મહીસાગર ફોન.નં. ૦૨૬૭૪-૨૫૦૫૩૧, ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન, ૧૦૯૮ ચાઈલ્ડ હેલ્પ લાઈન, ૧૦૦ પોલીસ કંટ્રોલ રૂમ, પર સંપર્ક કરવાનો રહેશે. બાળ લગ્ન અટકાવવા અંગેની માહિતી આપનારની ઓળખ સંપુર્ણપણે ગુપ્ત રાખવામા આવશે. તેમ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મહીસાગર ની અખબારી યાખીમાં જણાવેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!