
તા.૧૧.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dhanpur:ધાનપુર પોલીસે સ્ટેશનમા તાત્કાલિક PSI તથા બીટ જમાદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાય
૧૬ માસ અગાઉ ૬૩ વર્ષીય વૃદ્ધને કોઈ કારણસર તેના ઘરે તેમજ ધાનપુર પોલીસ સ્ટેશનમાં લાવી લાકડી વડે માર મારી ઇજાઓ પહોંચાડી જાતિ અપમાનિત કરતા અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધાકધમકી આપી અપમાનીત કર્યાની ધાનપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પીએસઆઇ તેમજ બીટ જમાદાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગત અનુસાર ગત તારીખ ૨૮-૮-૨૦૨૩ ના રોજ રાત્રિના સાડા દસ વાગ્યાના સુમારે ધાનપુર તાલુકાના કાલિયાવાડ ગામના ગઢવાલ ફળિયામાં રહેતાં ૬૩ વર્ષીય સબુરભાઈ જોરસીંગભાઇ રાઠોડ પોતાના ઘરે હાજર હતા. તે દરમિયાન ધાનપુર પોલીસ સ્ટેશનના તે સમયના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગોહિલ તથા ધાનપુર પોલીસ સ્ટેશનના બીટ જમાદાર નરેન્દ્રભાઈ એમ બંને જણા સબૂરભાઈ જોરસીંગભાઇ રાઠોડના ઘર પાસે આવ્યા હતા. અને સબુરભાઈ રાઠોડને બૂમ મારી ઘરની બહાર બોલાવ્યા હતા. અને બીટ જમાદાર નરેન્દ્રભાઈએ સબુરભાઈ રાઠોડને લાતો મારી હતી. અને ત્યારબાદ સબુરભાઈ રાઠોડને તેઓ ધાનપુર પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા અને ત્યાં લાવી બીટ જમાદાર નરેન્દ્રભાઈએ સબુરભાઈ રાઠોડને પકડી રાખ્યો હતો તેમજ તે સમયે ધાનપુર પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગોહિલે લાકડી વડે સબૂરભાઈ રાઠોડને માર મારી શરીરે નાની મોટી ઇજાઓ પહોંચાડી હતી. તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર ગોહિલ તથા બીટ જમાદાર નરેન્દ્રભાઈ એમ બંને જણાએ ભેગા મળી સબુરભાઈ રાઠોડને જાતિ અપમાનિત અપ શબ્દો બોલી અપમાનિત કરી જાનથી મારી નાખવાની ધાકધમકીઓ આપી હતી. તે સમયે આ સંબંધે ધાનપુર પોલીસ સ્ટેશનમાં સબુરભાઈ રાઠોડે ફરિયાદ નોંધાવાના પ્રયાસો કર્યા હતા પરંતુ તેમાં તેઓને નિષ્ફળતા મળતા આખરે તેઓએ ન્યાય માટે કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા. અને આ મામલે અંત સુધી લડી લેવા તૈયાર થયેલા સબુરભાઈ રાઠોડ ન્યાય મેળવવા ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા. અને સબુરભાઈએ હાઇકોર્ટમાં દાખલ કરેલ અરજીની તપાસ કરી ગુનો દાખલ કરવા માટે હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. જે હુકમના આધારે ધાનપુર પોલીસે તે અરજીની તપાસ કર્યા બાદ ધાનપુર પોલીસ સ્ટેશનના તત્કાલીન પોલીસ સબ ઇન્સ્પેક્ટર ગોહિલ તથા બીટ જમાદાર નરેન્દ્રભાઈ વિરુદ્ધ ઈપીકો કલમ૩૨૩, ૫૦૪,૫૦૬(૨),૧૧૪ તથા એટ્રોસિટી એક્ટ કલમ ૩(૨)(૫-એ),૩(૧)(આર) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર કેસની તપાસ લીમખેડા ડીવાયએસપી એમ બી વ્યાસ કરી રહ્યા છે.



