હાલારના ભૂલકાઓ શિષ્યવૃતિ પરીક્ષામાં ઝળક્યા

*જોડિયા તાલુકાની શ્રી નેસડા પ્રાથમિક શાળાના 2 વિદ્યાર્થીની ”મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃતિ પરીક્ષા” માં રાજ્ય કક્ષાએ મેરીટમાં પસંદગી કરાઈ*
*જામનગર (નયના દવે)
રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ધોરણ 8 માં લેવાતી મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃતિ પરીક્ષામાં જોડિયા તાલુકાની શ્રી નેસડા પ્રાથમિક શાળાના બે બાળકોની પસંદગી કરવામાં આવી છે. વિદ્યાર્થી લૈયા માધવ કિશોરભાઈ અને વિદ્યાર્થીની રબારી દિયા દુદાભાઈની રાજ્ય કક્ષાએ મેરીટમાં પસંદગી કરવામાં આવી છે. આ બંને બાળકોને હવે મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃતિ યોજના અન્વયે ધોરણ 9 થી 12 માટે રાજય સરકારશ્રી દ્વારા રૂ. 94000 જેટલી શિષ્યવૃતિ આગળના ત્રણ વર્ષના અભ્યાસ માટે મળશે.
ઉલ્લેખનીય છે કે શ્રી નેસડા પ્રાથમિક શાળા દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તૈયારી અને માર્ગદર્શન આપવામાં આવે છે. જેનો સીધો લાભ વિદ્યાર્થીઓને મળી રહ્યો છે. આ સિદ્ધિ બદલ ગામના સરપંચશ્રી, આચાર્યશ્રી, શાળાના શિક્ષકગણ, એસ.એમ.સી. અધ્યક્ષશ્રીએ નેસડા ગામ અને શાળાનું નામ રોશન કરવા બદલ બંને વિધાર્થીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમજ તેમના મંગળ ભવિષ્ય માટે શુભકામના વ્યક્ત કરી છે.
*000000*




