અમદાવાદ જિલ્લામાં પીએમ આવાસ યોજનાના 12,855 ઘરો માટે સર્વેક્ષણ હાથ ધરાયું

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ: કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરવિહોણા લોકોને રહેવા માટે ઘર મળી રહે તે હેતુથી અમદાવાદ જિલ્લામાં ‘આવાસ પ્લસ-2.0’ સર્વેક્ષણ હાથ ધરાયું છે. જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA) નિયામકના માર્ગદર્શન હેઠળ, 9 તાલુકાની 395 ગ્રામ પંચાયતોમાં આ સર્વેક્ષણની કામગીરી ચાલી રહી છે.
12,855 લાભાર્થીઓનો ડેટાબેઝ તૈયાર
આયોજિત સર્વે હેઠળ 12,855 લાભાર્થીઓનું ડેટા એકત્ર કરવામાં આવ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, ટેક્નિકલ કર્મચારી, IRD અને તાલુકા પંચાયતના અધિકારીઓએ સર્વેક્ષણનું કાર્ય સંભાળ્યું છે. સર્વે પ્રક્રિયામાં અરજદાર અને તેમના પરિવારના સભ્યોની વ્યક્તિગત માહિતી, રેશન કાર્ડ અને આધારકાર્ડ વિગતો, આવકનો સ્ત્રોત, બેંક ખાતાની માહિતી, મકાન માલિકી હક્ક અને રહેઠાણનું જીઓ-ટેગિંગ સામેલ છે.
તાલુકાવાર ઘરોના સર્વેની વિગતો
બાવળા: 48 ગ્રામ પંચાયત, 555 ઘરો
દસ્ક્રોઇ: 30 ગ્રામ પંચાયત, 1,175 ઘરો
દેત્રોજ: 46 ગ્રામ પંચાયત, 2,473 ઘરો
ધંધુકા: 38 ગ્રામ પંચાયત, 915 ઘરો
ધોલેરા: 31 ગ્રામ પંચાયત, 1,406 ઘરો
ધોળકા: 64 ગ્રામ પંચાયત, 1,104 ઘરો
માંડલ: 36 ગ્રામ પંચાયત, 1,485 ઘરો
સાણંદ: 38 ગ્રામ પંચાયત, 824 ઘરો
વિરમગામ: 64 ગ્રામ પંચાયત, 2,918 ઘરો
ઘરવિહોણા માટે મહત્વનું પ્રોજેક્ટ
સરકાર દ્વારા આ યોજના હેઠળ જરૂરિયાતમંદ લોકોને ઘરોનો લાભ આપવામાં આવશે. સમગ્ર પ્રક્રિયામાં ગરીબ અને અવિકસિત વર્ગને તેમના પોતાના મકાન માટે પ્રાધાન્ય આપવામાં આવશે. લાભાર્થીઓ માટે ડિજિટલ ડેટાબેઝ તૈયાર કરાય પછી, આગળની કાર્યવાહી હાથ ધરાશે.
આ કાર્યક્રમથી ગ્રામીણ વિસ્તારોમાં વસવાટ કરતા નાગરિકોને હક્કનું ઘર મેળવવામાં સહાય મળશે અને સરકારના ‘સૌને ઘર’ વિઝનને વેગ મળશે.






