વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યનાં અન્ય ભાગોની જેમ હવે ડાંગ જિલ્લામાં પણ ગરમીનું મોજુ ફરી વળ્યું છે.ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે,જેના કારણે ડાંગી જનજીવન ત્રાહિમામ પોકારી ઉઠ્યુ છે.આજે જિલ્લાના મુખ્ય મથકમાં આહવા, સુબીર અને વઘઈમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનનું અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે.ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં પણ ગરમીનો પ્રભાવ જોવા મળ્યો હતો અને સાપુતારામાં 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતુ.બીજી તરફ સાપુતારાની તળેટીમાં આવેલ શામગહાન ખાતે લઘુત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ.જે દર્શાવે છે કે રાત્રિના સમયે પણ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.ઉનાળાની શરૂઆત સાથે જ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં આટલા ઊંચા તાપમાનના કારણે લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ખાસ કરીને રોજીંદી મજૂરી કરતા અને બહાર કામ કરતા લોકો ગરમીથી ખૂબ જ પરેશાન છે. ગરમીના કારણે ડિહાઇડ્રેશન અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ વધી શકે છે.સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા લોકોને બપોરના સમયે બિનજરૂરી રીતે બહાર ન નીકળવાની અને પૂરતા પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપવામાં આવી છે. વૃદ્ધો અને બાળકોને ખાસ કાળજી લેવાની સૂચનાઓ પણ આપવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ડાંગ જિલ્લામાં ગરમીનું પ્રમાણ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે લોકોએ વધુ સાવચેતી રાખવાની જરૂર છે. જિલ્લામાં આટલા ઊંચા તાપમાનના કારણે જનજીવન પર અસર જોવા મળી રહી છે..