વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસ નિમિત્તે સરકારી બી. એડ્. કોલેજ, નસવાડીમાં સર્જનાત્મકતાનો ઉજાસ
મુકેશ પરમાર,, નસવાડી
સરકારી બી. એડ્ . કોલેજ, નસવાડી ખાતે ઇનોવેશન ક્લબ અને એન્ટરપ્રેન્યરશીપ સેલના સંયુક્ત તત્ત્વાવધાન હેઠળ *ઇનોવેશન ક્લબ ઓરિએન્ટેશન* તથા *વિશ્વ ઉદ્યોગ સાહસિકતા દિવસ (World Entrepreneurship Day)* ની ઉજવણી ઉત્સાહભેર યોજાઈ.કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના આચાર્યશ્રી પી.જે. જોશીએ હૃદયસ્પર્શી સ્વાગત પ્રવચન આપ્યું. તેમણે પોતાની પ્રેરણાદાયી વાણી દ્વારા ખરા અર્થમાં આજના દિવસને વિશિષ્ટ ઉર્જા અને દિશા આપી.એન્ટરપ્રેન્યરશીપ સેલના કન્વીનર ડૉ. અલ્પેશ ચૌહાણે પધારેલા તજજ્ઞોનું હાર્દિક સ્વાગત કર્યું. ત્યારબાદ ઇનોવેશન ક્લબના કો ઓર્ડીનેટર ડૉ. પ્રણવકુમાર આર. ઉપાધ્યાયે ઇનોવેશન ક્લબના હેતુઓ, કાર્યો તથા વિદ્યાર્થીઓ માટે તેની ઉપયોગિતા અંગે અત્યંત રસપ્રદ અને પ્રેરક રજૂઆત કરી. તેમણે તાલીમાર્થીઓને સર્જનાત્મકતા અને નવીન વિચારશક્તિ તરફ પ્રેરિત કર્યા.આ પ્રસંગે ઔદ્યોગિક તાલીમ કેન્દ્ર, દશરથથી પધારેલા તજજ્ઞ શ્રી વી.બી. નીનામાએ *Who is Entrepreneur?* વિષય પર પ્રકાશ પાડ્યો. ત્યારબાદ શ્રી એ.પી. ગોરે *Education in AI Age and EdTech Entrepreneurship* વિષય પર ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપ્યું.બંને તજજ્ઞોના જ્ઞાનસભર પ્રવચનોથી તાલીમાર્થીઓના અંતરમાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને નવીન વિચારશક્તિના દીપ પ્રજ્જવલિત થયા. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ ભાવપૂર્વક ઉદ્યોગસાહસિકતાનું મહત્ત્વ અનુભવી સાચા અર્થમાં આ દિવસને ઉજવ્યો.