
વાત્સલ્યમ્ સમાચાર,
પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.
મુંદરા-બારોઈ નગરપાલિકા દ્વારા આયોજિત ‘સ્વદેશી મેળો’: રાષ્ટ્ર નિર્માણ અને સ્થાનિક કલાકારોનો અનોખો સંગમ
૦૦૦
સ્વદેશી અપનાવો અને સરકારને આર્થિક રીતે મજબૂત બનાવી રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપો: ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે
મુંદરા,તા.13:
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વેગ આપવા અને ‘મેક ઇન ઇન્ડિયા’ના સંકલ્પને સાકાર કરવાના હેતુથી મુંદરા-બારોઈ નગરપાલિકા દ્વારા શાસ્ત્રી મેદાન (ગધાસર) ખાતે ભવ્ય ‘સ્વદેશી મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાનું ઉદ્ઘાટન કરતાં માંડવી-મુંદરા વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ ભાજપાના મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે સ્વદેશી વસ્તુઓનો મહત્તમ ઉપયોગ એ માત્ર આર્થિક બાબત નથી પરંતુ રાષ્ટ્રને આત્મનિર્ભર બનાવવાનું એક સશક્ત માધ્યમ છે. તેમણે નગરજનોને સ્થાનિક કારીગરો દ્વારા નિર્મિત વસ્તુઓ ખરીદીને અર્થતંત્રને મજબૂત કરવા અપીલ કરી હતી.
સ્વચ્છ ભારત મિશન-અર્બન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે મેળામાં વિશેષ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા હેલ્થ ઓફિસર ડો. મેહુલ બાલદાણીયાના માર્ગદર્શન હેઠળ મહિલા સફાઈ મિત્રો અને સ્વ-સહાય જૂથની બહેનો માટે ખાસ મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં વિનામૂલ્યે તપાસ, નિદાન અને સારવારની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. ચીફ ઓફિસર વૈભવ વ્યાસે આ મેળા પાછળના આત્મનિર્ભર ભારતના વિઝન પર ભાર મૂક્યો હતો જ્યારે પ્રથમ નગરપતિ કિશોરસિંહ પરમારે નાના ઉદ્યોગકારોને પ્રોત્સાહન આપવા બદલ આયોજનની પ્રશંસા કરી હતી.
મેળાના 36 જેટલા સ્ટોલની મુલાકાત સાથે લોકો સંગીતનો પણ આનંદ માણી રહ્યા છે. મુંદરાના કરાઓકે ગ્રુપ દ્વારા દરરોજ સાંજે સ્થાનિક પ્રતિભાઓને પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે. સંચાલક ચેતનભાઈ જોશી અને દુર્ગાબેન આમલાણીની આ સેવાને નગરપાલિકા પ્રમુખ શ્રીમતી રચનાબેન પ્રણવભાઈ જોશીએ બિરદાવી હતી. નોંધનીય છે કે આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર જવાહરભાઈ નાથાણી અને નગરપાલિકાના સુનિલભાઈ વ્યાસે પણ ગીતો રજૂ કરીને માહોલ જમાવ્યો હતો.
આ પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ જીતેન્દ્રભાઈ માલમ, કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી, શાસક પક્ષના નેતા ધર્મેન્દ્રસિંહ ઝાલા, દંડક દિલીપભાઈ ગોર સહિત જિલ્લા પંચાયતના સદસ્યો અને શહેર ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આયોજનને સફળ બનાવ્યું હતું.
—————————
લોક માંગ: ગ્રામ્ય કારીગરો માટે સમયમાં ફેરફાર જરૂરી
સ્વદેશી વસ્તુઓને બ્રાન્ડ નેમ આપવાના ઉમદા આશયથી યોજાયેલા આ મેળામાં હાલનો સમય સાંજે 4 થી 10નો રાખવામાં આવ્યો છે, પરંતુ ગરમીના કારણે પ્રવૃત્તિઓ મોડી શરૂ થતી હોવાથી અને ગ્રામ્ય વિસ્તારોમાં વાહન વ્યવહારની મર્યાદિત સુવિધા હોવાથી અસલી ‘સ્વદેશી’ ગ્રાહકો અને વેચાણકર્તાઓ પૂરતો લાભ લઈ શકતા નથી. સ્થાનિક લોકોમાં એવી માંગ ઉઠી છે કે, જો હવે પછીનો મેળો આખો દિવસ ચાલુ રાખવામાં આવે, તો ગ્રામ્ય કક્ષાના લોકો પણ સહભાગી થઈ શકે અને સ્થાનિક કારીગરોને વેચાણનું પૂરતું પ્રોત્સાહન મળી રહે.














વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com




