અંકલેશ્વરમાં સિકલીગર ગેંગના 4 સભ્યો ઝડપાયા:NRI ના બંધ મકાનમાંથી રોકડની ચોરી, 1.82 લાખનો મુદ્દામાલ જપ્ત



સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વર પોલીસે સિકલીગર ગેંગના ચાર સભ્યોને ચોરી કરતા રંગેહાથ ઝડપી પાડ્યા છે. અંકલેશ્વર ડીજીવીસીએલ કચેરી પાછળ આવેલ અક્ષરદીપ સોસાયટીમાં રહેતા એનઆરઆઈ જાકીર ઇસ્માઇલ બક્સાના બંધ મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું.
ગેંગે મકાનના દરવાજાનો નકુચો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને રૂ. 12,000ની રોકડ ચોરી કરી હતી. આ અંગે મકાન માલિકના સાઢુભાઈ સાદિક મુસા સેલોટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
અંકલેશ્વર એ ડિવિઝન પી.આઈ. પી.જી. ચાવડા અને સર્વેલન્સ સ્કોડની ટીમે બાતમીના આધારે રામકુંડ રોડ પરના કૈલાશ નગર વિસ્તારમાંથી આરોપીઓને પકડી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં માસ્ટરમાઈન્ડ જસબીર સિંગ ભાયા સિંગ સિકલીગર, તેનો પુત્ર કરણ સિંગ, વડોદરાનો રીઢો ચોર મલખાન સિંગ અને સુરત ભેસ્તાનનો કુખ્યાત ચોર અમૃતસિંગ ઉર્ફે અન્નાનો સમાવેશ થાય છે.
પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 1.82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તપાસમાં અંકલેશ્વર એ અને બી ડિવિઝન વિસ્તારની ચાર, તેમજ જંબુસર અને વેડચની એક-એક મળી કુલ છ ચોરીઓનો ભેદ ઉકેલાયો છે. આ ગેંગ વિરુદ્ધ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અનેક ચોરીના ગુના નોંધાયેલા છે.



