AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં કાળઝાળ ગરમી:-વઘઈ 43 ડિગ્રી સાથે સૌથી ગરમ, સાપુતારામાં પણ પારો ઉંચકાયો.

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં પણ સૂર્યદેવતા આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. સામાન્ય રીતે ઠંડક માટે જાણીતા ડાંગ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરી જતા જનજીવન પ્રભાવિત થયું છે. વઘઈમાં સૌથી વધુ 43°C તાપમાન નોંધાયું છે, જેના કારણે બપોરના સમયે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા.જિલ્લા મથક આહવા અને સુબીર પંથકમાં પણ ગરમીનો સરખો પ્રભાવ જોવા મળ્યો છે. અહીં મહત્તમ તાપમાન 41°C નોંધાયું છે.ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા, જે હંમેશા પ્રવાસીઓ માટે ઠંડકનું કેન્દ્ર રહે છે, ત્યાં પણ તાપમાન 38°C સુધી પહોંચી ગયું છે. સાપુતારામાં પણ હવે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.હવામાનમાં ફેરફાર અને સતત વધતા તાપમાનને કારણે ડાંગના આદિવાસી વિસ્તારોમાં ઉનાળાની આકરી ગરમી અનુભવાઈ રહી છે. વઘઈમાં 43 ડિગ્રી તાપમાનને પગલે લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.ખાસ કરીને ખેત મજૂરો અને પશુપાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. આરોગ્ય વિભાગ દ્વારા પણ લોકોને પૂરતા પ્રમાણમાં પાણી પીવા અને ગરમીથી બચવા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે..

Back to top button
error: Content is protected !!