

સમીર પટેલ, ભરૂચ
ભરૂચના હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામે નર્મદા પરિક્રમાવાસીઓની સુવિધા માટે નવું જેટી બનાવવામાં આવ્યું છે. રાજ્ય સરકારના મેરીટાઈમ બોર્ડ દ્વારા રૂપિયા 21.20 કરોડના ખર્ચે આ જેટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. રાજ્યકક્ષાના પ્રધાન કુંવરજી હળપતિએ આ જેટીનું લોકાર્પણ કર્યું હતું.
મધ્ય પ્રદેશના અમરકંટકથી શરૂ થતી નર્મદા પરિક્રમાનો છેલ્લો પડાવ વમલેશ્વર છે. અહીં દર વર્ષે 2થી 3 લાખ શ્રદ્ધાળુઓ પગપાળા અથવા વાહનોમાં પરિક્રમા કરે છે. અગાઉ વમલેશ્વરથી સામે કિનારે મીઠી તલાઈ જવા માટે બોટની ઓછી સંખ્યા અને સુવિધાના અભાવે મુશ્કેલી પડતી હતી. હવે આ જેટીના નિર્માણથી પરિક્રમાવાસીઓ સરળતાથી નદી પાર કરી શકશે.
લોકાર્પણ સમારોહમાં નર્મદા પરિક્રમા સંત સમિતિના ગિરીશાનંદસ્વામી, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલા દહેજના મીઠી તલાઈ ખાતે પણ જેટીનું નિર્માણ કરવામાં આવ્યું હતું.




