
તાલુકા મથક સાગબારા ખાતે અનેક સરકારી કચેરીઓના મકાનો બિસ્માર અવસ્થામાં
તાહિર મેમણ – ડેડીયાપાડા – 23/03/2025 – તાલુકા મથક સાગબારા ખાતે અનેક સરકારી કચેરીઓ સહિત રહેણાંક હેતુસરના સરકારી આવાસો જર્જરિત અને ખંડેર હાલતમાં હોવા છતાં આદિવાસી વિસ્તાર હોય તેના વિકાસ પ્રત્યે વર્ષોથી આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે જ્યારે કે પાછળ થી બનેલા અનેક તાલુકાઓ આજે વિકાસની હરણફાળ મા સાગબારાથી અનેકગણા આગળ નીકળી ગયા છે.
સાગબારા નામ સાંભળતા જ પહેલા ગાંધીનગરમાં ડંકો વાગતો હતો, આજે સાગબારા નું નામ પણ ત્યાં સાંભળવા મળતું નથી. આઝાદીકાળ પહેલા સાગબારા એક રજવાડું હતું અને આઝાદી બાદ તાલુકા મથક બન્યો.તાલુકા મથક બન્યા બાદ અહીં એક પછી એક સરકારી કચેરીઓ આવતી ગઈ અને બનતી પણ ગઈ.આજે એ કચેરીઓ કે રહેણાંક હેતુસરના સરકારી આવાસો ક્યાંક કે ક્યાંક જર્જરિત અવસ્થામાં કે પછી ખંડેર બન્યા હોવા છતાં નવા બનાવવા માટે કોઈજ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે અહીંના મોટા ભાગના સરકારી કર્મચારીઓ બસ કે પછી પોતાના ખાનગી વાહનો લઈને અપ ડાઉન કરે છે, જેના કારણે બસમાં આવજા કરતા કર્મચારીઓએ સમય પહેલા પણ ઓફિસ સ્થળ છોડવું પડે છે.
સૌથી પહેલા આવા જર્જરિત અને બિસ્માર કે પછી ખંડેર મકાનોની વાત કરીએ તો તેમાં સાગબારાની મામલતદાર કચેરી પ્રથમ સ્થાને આવે.આ કચેરી બન્યાને 50 વર્ષ ઉપરાંત સમય થયો તેમ છતાં તેને નવી બનાવવામાં આવતી નથી અને રીપેરીંગ કરીને ચલાવવામાં આવે છે.1970 ની સાલની આસપાસ આ કચેરીનું મકાન બનાવવામાં આવ્યું હતું.જેમાં આજદિન સુધી લાખો કરોડો રૂપિયા નો ખર્ચ રીપેરીંગ પાછળ કરવામાં આવ્યો જ્યારે કે તેટલી જ રકમમાં કચેરીનું નવું મકાન ઉભું થઈ જાત.પણ પેલી કહેવત મુજબ કે સોના નું ઈંડુ આપતી મરઘી હોય ને તેને કપાય નહીં પરંતુ તેમાંથી રોજ એક ઈંડુ મળતું હોય તો રોજ એક ઈંડુ જ લેવાય.તેમ આ મામલતદાર કચેરી સોનાનું ઈંડુ આપતી મરઘી સાબિત થઇ રહી છે.
આજ મામલતદાર કચેરી સામે વર્ષો પહેલા આઈટીઆઈ નું મકાન હતું જે બાદમાં દૂરદર્શન કેન્દ્રને ફાળવી દેવામાં આવ્યું હતું. આજે અહીં દૂરદર્શન કેન્દ્ર તો નથી છતાં આ મકાન સાર સાંભળના અભાવે આજે જર્જરિત અવસ્થામાં છે.જો આ મકાન ને સરકારી તાલુકા પુસ્તકાલય માટે ફાળવવામાં આવે તો તેની દેખરેખ હેઠળ મકાન પણ જળવાશે .પરંતુ તાલુકાના વિકાસમાં કોઈને જ રસ નથી અને આ લાખો રૂપિયાનો ખર્ચ કરી બનાવેલ મકાન આજે બિસ્માર બની અને ખંડેર રહ્યું છે અને બહાર ખુલ્લી જગ્યામાં લોકો ખાનગી વાહનો પાર્ક કરી રહ્યા છે. આ બિલ્ડીંગ ને રીપેરીંગ કરી સરકારી તાલુકા પુસ્તકાલય માટે ફાળવી દેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
વન વિભાગની વિસ્તરણ કચેરી પણ વર્ષો પહેલા બનેલી છે જે ખંડેર બની જતા બાજુમાંજ બીજી કામચલાઉ ધોરણે કચેરી બનાવવામાં આવી હતી પરંતુ તે કચેરી પણ હાલ બિસ્માર અવસ્થામાં છે.અહીં કાયમી ધોરણે રેન્જ અધિકારી કે અન્ય કર્મચારીઓ રહે તેવી કોઈજ સારી વ્યવસ્થા નથી.કર્મચારીઓ સહિત વન અધિકારીના આવાસો જર્જરિત અવસ્થામાં છે .ચોમાસા દરમિયાન ઝેરી જીવજંતુઓ સહિત જાનવરોનો પણ અહીં ભય રહે છે.એક સમયે કચેરી કર્મચારીઓથી ધમધમતી રહેતી હતી આજે અહીં ગણ્યા ગાંઠિયા કર્મચારીઓ જોવા મળે છે અને મોટેભાગે બહાર થી આવજા કરે છે.
સાગબારા ખાતે તાલુકા પંચાયત કચેરી તો નવી બની પરંતુ કચેરીના મુખ્યા એવા તાલુકા વિકાસ અધિકારીને રહેવા માટે આવાસ ન બનાવાયું.જેના કારણે વર્ષોથી જે પણ અધિકારી અહીં આવે છે તે તાલુકા વિકાસ અધિકારી પોતાના ગામ થી અપ ડાઉન કરે છે. સાથે સાથે તાલુકા પંચાયત કચેરી ખાતે અન્ય કર્મચારીઓ માટેના કવાટર્સ પણ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર અને જર્જરિત છે.સાગબારા તાલુકો બન્યો ત્યારે આ કવાટર્સ બનાવવામાં આવ્યા હતા તેમ જુના લોકો પાસેથી જાણવા મળે છે. જેના કારણે તાલુકા પંચાયત કચેરી નો મોટાભાગનો સ્ટાફ બહાર થી અપ ડાઉન કરી કચેરીનો કાર્યભાર સાંભળે છે. જેના કારણે કચેરી ખાતે કામકાજ અર્થે આવતા લોકોના કામો ટલ્લે ચઢે છે .જેના કારણે તાલુકાનો પણ જોઈએ તેવો વિકાસ થતો નથી. અમુક કર્મચારીઓ ભાડાના મકાન માં રહે છે અને જેને મકાન નથી મળતા તે કર્મચારી બહારગામથી અપડાઉન કરે છે.
તાલુકા પંચાયત કચેરી સામે આરોગ્ય વિભાગ ની તાલુકા બ્લોક હેલ્થ કચેરીની ઓફિસ આવેલી છે જે જર્જરિત હોવાના કારણે હાલ તાલુકા પંચાયત કચેરી ના એક રૂમ માં ચાલે છે. આ તાલુકા બ્લોક હેલ્થ કચેરીનું મકાન વર્ષો જૂનું છે.જ્યા વર્ષો પહેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાલતું હતું. બાદમાં સાગબારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ને અપ ગ્રેડ કરતા સામુહિક આરોગ્ય કેન્દ્ર બનાવાયું જે પણ આજે બન્યા ને 40 વર્ષ જેટલો સમય થવા આવ્યો.જેને પણ હાલ વારંવાર રીપેરીંગ કરીને વિકાસના ઉલ્ટા ચશ્મા લોકોને પહેરાવવામાં આવે છે. આ જર્જરિત બ્લોક હેલ્થ કચેરી સામે આઇસીડીએસ વિભાગનું જૂનું બિલ્ડીંગ આવેલું છે જે હાલ જર્જરિત અવસ્થામાં છે.અને તાલુકા વિકાસ અધિકારીના રહેણાંક આવાસ સામે લાખો રૂપિયાનો ખર્ચ કરી નવું આઇસીડીએસ કચેરીનું મકાન બનાવાયું છે.
વર્ષો પહેલા સાગબારા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના કર્મચારીઓ માટે રહેણાંક હેતુસરના આવાસો બનાવ્યા હતા જે આજે જર્જરિત થઈ ગયા છે છતાં કેટલાક કર્મચારીઓ આજેપણ ત્યાં જીવ ના જોખમે રહે છે. અને જે મકાનો ખાલી છે તે ખુબજ જર્જરિત હોવાના કારણે જ ખાલી છે.ત્યારે બાજુમાં જ યુ એસ એઇડ સંસ્થા મારફતે વર્ષો પહેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર ના ડોકટરો ને રહેવા માટે અને અન્ય કર્મચારીઓને રહેવા માટે અનેક ક્વાર્ટસો બનાવ્યા હતા જેને પણ આજે 40 વર્ષ ઉપરાંત સમય વીતી ગયો અને મકાનો હાલ બિસ્માર બન્યા હોવા છતાં વારે તહેવારે સ્ટેટ ના બાંધકામ વિભાગ દ્વારા રીપેરીંગ કરી ને લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં આ મકાનો રહેવા લાયક જ નથી .જો આ તમામ આરોગ્ય વિભાગના મકાનો તોડીને નવા બહુમાળી મકાનો ઉભા કરવામાં આવે તો અહીંનો તમામ સ્ટાફ અહીં સ્થળ ઉપર જ રહી શકે તેમ છે. અન્યથા મોટાભાગના કર્મચારીઓ રહેવાની સારી સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાના કારણે બહાર થી અપડાઉન કરે છે.
દક્ષિણ ગુજરાત વીજ કંપની ના સાગબારા ખાતે કર્મચારીઓ ને રહેવા માટે સ્ટાફ કવાટર્સ ઉપલબ્ધ હતા પરંતુ તે પણ લગભગ 50 વર્ષ પહેલાં બનાવાયેલા હોવાના કારણે તે જર્જરીત બનતા તેને તોડી નાખી નવા બનાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ જુના જર્જરિત કવાટર્સ તોડી નાખ્યા ને આજે બે વર્ષ ઉપરાંત નો સમય વીતી જાવા આવ્યો છતાં નવા કવાટર્સ કે કર્મચારીઓ માટે બહુમાળી બિલ્ડીંગ બનાવવામાં કયુ ગ્રહણ આડે આવ્યું છે તે સમજાતું નથી.આ કવાટર્સ તોડી નંખાતા કર્મચારીઓએ મોંઘા ભાડાના મકાનમાં કે પછી અપડાઉન કરવાની નોબત આવી છે.સાગબારા તાલુકો પછાત રહેવા પાછળ કોઈ ચોક્કસ ગણિત કામ કરી રહ્યું હોય તેમ તાલુકાના ગોકળ ગાય ની ગતિ કરતા પણ ધીમી ગતિએ વિકાસ નામ માત્ર થતો હોય તેમ લાગી રહ્યું છે.
સાગબારા ખાતે આવેલી અનેક સરકારી બિલ્ડીંગો અને આવાસો આજે જર્જરિત અને બિસ્માર અવસ્થામાં છે છતાં ના છૂટકે કર્મચારીઓ કામ કરવા અને રહેવા મજબુર બન્યા છે. નવા બનાવેલા તાલુકાઓનો વિકાસ આજે સાગબારા તાલુકાથી કોસો દૂર નીકળી ગયો છે જ્યારે સાગબારા તાલુકો 21 મી સદી ના બદલે 19 મી સદી તરફ પરત ફરી રહ્યો હોય તેમ હાલની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે. શુ વિકાસની વાતો કરતી સરકાર અહીંની દશા અને દિશા માં સુધારો કરવા કટીબદ્ધ છે ખરી?ત્યારે ગુજરાતમાં છેલ્લા ત્રીસ ત્રીસ વર્ષ થી ભાજપ સરકાર રાજ કરે છે ત્યારે સાગબારાની એકમાત્ર તાલુકા પંચાયત કચેરી અને ડિજીવીસીએલ કચેરીને બાદ કરતા બાકીની તમામ કચેરીઓ કૉંગ્રેસના સાશન દરમ્યાન બની છે .જે હવે નવીનીકરણ માંગે છે.
બોક્સ……..
સાગબારા તાલુકા વિકાસ અધિકારીનું રહેણાંક વર્ષોથી જર્જરિત ,જેના કારણે અધિકારી અપ ડાઉન કરી ગાડું ગબડાવે છે ,પછી તાલુકા નો વિકાસ ક્યાંથી થાય ?
તાલુકા મથક સાગબારા સહિત તાલુકાનો વિકાસ થાય તે માટે તાલુકા વિકાસ અધિકારી અહીં કાર્યરત છે. પરંતુ તેમના રહેવા માટેનું આવાસ જ વર્ષોથી જર્જરિત અવસ્થામાં છે ,જેને તોડીને નવું બનાવવામાં આંખ આડા કાન કરવામાં આવે છે જેના પાછળનું કારણ એ જ કે આવાસ ન હોવાના કારણે અધિકારી ધરેથી આવજા કરી શકે.સાગબારા તાલુકા વિકાસ અધિકારીનું રહેણાંક નું આવાસ વર્ષોથી ખંડેર અવસ્થામાં છે તો પછી તાલુકાનો વિકાસ ક્યાંથી થાય?.તાલુકા વિકાસ અધિકારી પોતાના રહેવા માટેના આવાસ ને જ જો નવીન બનાવી શકતા ન હોય તો તાલુકાનો સાથે તાલુકા મથક નો વિકાસ ક્યાંથી કરી શકવાના હતા ? શુ અધિકારીને રહેવા માટેનું આવાસ જાણી જોઈને બનાવવામાં આવતું નથી? કે આની પાછળ પણ કોઈ કારણ છે? જો આવાસ હશે તો અધિકારીએ સ્થળ ઉપર રહેવું પડે અને લોકોના કામોને કરવા પડે .પરંતુ જો આવાસ જ ન હોય તો અહીં રહેવાનો કોઇ મતલબ જ ન રહે.અને લોકોના કામોનો પણ કોઈ ઉલ્લેખ થાય નહિ.



