
સમીર પટેલ, ભરૂચ
સાયખા જીઆઇડીસી માં આવેલ દત્તા હાઈદ્રો કેમ કંપનીમાં પતરાના શેડની કામગીરી દરમિયાન એક કામદાર નીચે પટકાયો હતો. ગંભીર ઇજાઓના કારણે યુવકનું કરુણ મોત નિપજ્યું હતું. બનાવ અંગે વાગરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
વાગરા તાલુકાની સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સ્થાપિત લઘુ ઉદ્યોગોમાં છાશવારે બનતી અકસ્માતની ઘટનાઓ સેફ્ટી અને સુરક્ષાને તાક પર રાખીને ઉદ્યોગો ચાલતા હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. રોજગારી માટે આવેલા પરપ્રાંતીય કામદારોની સુરક્ષા માટે કંજૂસી કરતાં કંપની માલિકો સહિત કોન્ટ્રાક્ટરો પાસેથી ફેક્ટરી ઇન્સ્પેક્ટર, સેફટી ઇન્સ્પેક્ટર અને જિલ્લા વહીવટી વિભાગ સહિતના અધિકારીઓ સુરક્ષાની ગેરંટી લઈને કંપનીઓ ચલાવવાનું સુનિશ્ચિત કરે તે જરૂરી જણાય રહ્યું છે. એકબાદ એક આવી બેદરકારી પૂર્વક બનતી ઘટના ઓથી કામદારોમાં પણ ભયનો માહોલ ઉદ્ભવયો છે. જીઆઇડીસી માં છાસવારે બનતી કેટલીક ઘટનાઓ જીવલેણ સાબિત થતી હોય છે. આવીજ એક ઘટના ગતરોજ સાયખા ઔદ્યોગિક વસાહતમાં બનવા પામી હતી. સાયખા GIDC માં આવેલ દત્તા હાઇડ્રો કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં પટરાના શેડ ઉપર પટરા ફિટિંગનું કાર્ય ચાલી રહ્યું હતું. તે દરમિયાન 11 વાગ્યાના અરસામાં શેડ ઉપરની લાઈફ લાઇન પર સેફટી બેલ્ટ લગાડવા જતા 30 વર્ષીય કામદાર નરેન્દ્રભાઈનો પગ લપસી ગયો હતો. જેથી નીચેથી ફાઇબર સીટ ખસી જતા તે નીચે પટકાતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેને તાત્કાલિક વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવતા હાજર તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. ઘટનામાં ઝઘડિયા તાલુકાના ખાલક, કુવા ફળીયાના નરેન્દ્ર ગુમાનભાઈ વસાવા ઉ.વ.30 નાઓનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે વાગરા પોલીસે મૃતકનું પી.એમ કરાવા સાથે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી આરંભી હતી.
ઉલ્લેખનીય છે, કે થોડા દિવસ અગાઉ પણ કામદાર નીચે પટકાવાની ઘટના સામે આવી હતી. જેમાં વાગરા તાલુકાની સાયખા જીઆઇડીસી સ્થિત Uc Colours & Intermediates Pvt.Ltd નામની કંપનીમાં એક કામદાર કંપનીમાં કામ કરી રહ્યો હતો. તે વેળાએ તેને અચાનક ચક્કર આવતા તે નીચે ઢળી પડતા ઇજાગ્રસ્ત બન્યો હતો. બનાવને પગલે સાથી કામદારોએ તાત્કાલિક ખાનગી વાહન મારફતે તેને વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ દોડી ગયા હતા. જ્યા તેને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. સેફટીના અભાવેજ આવા બનાવો બનતા હોય છે. જેમાં નિર્દોષ શ્રમિકોનો ભોગ લેવાય છે. સેફ્ટી અને સુરક્ષામાં નિષ્ફળ આવા બેફામ ઉદ્યોગો અને ઉદ્યોગકારો સામે સખત પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ પણ પંથકમાં ઉઠી રહી છે. વહીવટી વિભાગ સહિતના અધિકારીઓ સુરક્ષાની ગેરંટી લઈને કંપનીઓ ચલાવવાનું સુનિશ્ચિત કરે તે જરૂરી છે. હાલ આવી બેદરકારી પૂર્વક બનતી ઘટના ઓથી કામદારોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે. ભય વિના કામદારો કામ કરી શકે તે માટે તેમની સુરક્ષાની જવાબદારી લઈ કંપની ધારકો ઉત્તમ ગુણવત્તા વાળા સુરક્ષાના સાધનો પૂરા પાડે તેવી માંગ પણ ઉઠવા પામી છે. કંપનીધારકો કોસ્ટ કટીંગના નામે નોકરિયાત તેમજ મજૂર વર્ગ પાછળ તકલાદી વસ્તુઓ વાપરતા હોવાની પણ બૂમો ઉઠી રહી છે. સસ્તી વસ્તુઓ ખરીદી કંપની માલિકો પોતાનું પેટ ભરતા હોવાથી આવી ઘટનાઓ સર્જાતી હોવાની લોકચર્ચાઓએ પણ પંથકમાં ભારે જોર પકડ્યું છે. સેફ્ટી અને સુરક્ષા માટે કંપની સંચાલકો પૂરતું ધ્યાન આપે તેવી માંગ ઉઠી છે. ત્યારે હાલતો દત્તા હાઇડ્રો કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સર્જાયેલ ઘટનાને લઈ સુપરવાઈઝ રશિક મહેન્દ્રભાઈ વસાવાએ પોલીસને ખબર આપતા પોલીસે BNSS કલમ 194 મુજબ નોંધ લઈ કાર્યવાહી હાથ ધરી હતી.



