માઉન્ટ આબુ ખાતે યોજાયેલ આર.સી.ટી.સી. કેમ્પનું નિરીક્ષણ કરાયું

9 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
મેજર જનરલ બિમલ મોંગા, એસ.એમ., વી.એસ.એમ., મહાનિર્દેશક, એનસીસી નિર્દેશાલય, ગુજરાતે એસવીઆઈએમ સંસ્થા, માઉન્ટ આબુની મુલાકાત લીધી હતી. સંસ્થામાં ૧૦ દિવસીય આર.સી.ટી.સી. કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું સંકલન ૩૫ ગુજરાત બટાલિયન એનસીસી, પાલનપુર દ્વારા કરવામાં આવી રહ્યું છે.આ અવસરે લેફ્ટનન્ટ કર્નલ પ્રીતિ તિવારી, ઓફિસિયેટિંગ કમાન્ડિંગ ઓફિસર, ૩૫ ગુજરાત બટાલિયન એનસીસી, પાલનપુર, બટાલિયનના સુબેદાર મેજર, એએનઓ તેમજ કુલ ૧૨૦ કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા.
મુલાકાત દરમિયાન વધારાના મહાનિર્દેશકશ્રીએ કેડેટ્સ સાથે સંવાદ સાધ્યો હતો. કેમ્પ દરમિયાન યોજાયેલી રૅપેલિંગ તથા રોક ક્લાઈમ્બિંગ જેવી સાહસિક તાલીમ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કેડેટ્સના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરી અને પોતાના પ્રેરણાદાયક શબ્દો દ્વારા કેડેટ્સને વધુ ઉત્સાહિત કર્યા હતા.આ પ્રસંગે એસવીઆઈએમ સંસ્થાની પ્રિન્સિપાલ શ્રીમતી રાજલ પટેલે વધારાના મહાનિર્દેશકશ્રીનું સ્વાગત કર્યું હતું તેમજ સંસ્થામાં ઉપલબ્ધ તાલીમ સુવિધાઓ અને સંચાલિત અભ્યાસક્રમોની વિગતવાર માહિતી આપી હતી. આ મુલાકાત કેડેટ્સ માટે અત્યંત પ્રેરણાદાયક સાબિત થઈ હતી, જેના પરિણામે કેડેટ્સના મનોબળ અને આત્મવિશ્વાસમાં નોંધપાત્ર વધારો નોંધાયો હતો.







