
વાત્સલ્યમ સમાચાર
વાંસદા ડાંગ
ડાંગ જિલ્લાના આહવા તાલુકા પંચાયત હેઠળના કામદ ગામે હાલમાં ચાલી રહેલા વિકાસ કાર્યોમાં નિમ્ન કક્ષાની કામગીરી થઈ રહી હોવાના ગંભીર આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે.ખાસ કરીને, 15 ટકા વિવેકાધીન યોજના અંતર્ગત થઈ રહેલા નાળાના કામમાં ભારે અનિયમિતતા જોવા મળી રહી હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર વિવાદમાં આહવા તાલુકા પંચાયતના સદસ્ય વિજય ચૌધરીની કામગીરી શંકાના દાયરામાં આવી છે.કામદ ગામે જે નાળાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, તેના માટે જેસીબી (JCB) મશીન દ્વારા ખોદકામ અને માટીકામ કરવામાં આવી રહ્યું છે, જેની તસવીર પણ સામે આવી છે. આ તસવીરમાં જોઈ શકાય છે કે નાળા માટેના બે મોટા પાઈપ (કલ્વર્ટ) તૈયાર રાખવામાં આવ્યા છે અને બાજુમાં જેસીબી મશીન કામ કરી રહ્યું છે. જોકે, આ કામમાં ગુણવત્તાના ધોરણો જાળવવામાં આવ્યા નથી અને માત્ર ‘વેઠ’ ઉતારવામાં આવી રહી છે.તેવી ચર્ચા પંથકમાં જોવા મળી રહી છે.યોજનાના માપદંડો અને જોગવાઈઓ મુજબ જે પ્રકારની મજબૂત અને ટકાવ કામગીરી થવી જોઈએ, તેના બદલે અહીં માત્ર સપાટી પરનું કામ કરીને સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા જોવા મળી રહી છે.આ 15 ટકા વિવેકાધીન યોજનાના કામના અમલીકરણ અને દેખરેખની જવાબદારી તાલુકા પંચાયત સદસ્ય તરીકે વિજય ચૌધરીની હોવાનું મનાય છે. સદસ્ય વિજય ચૌધરીની રહેમનજર હેઠળ જ આ પ્રકારે નબળી અને નિમ્ન કક્ષાની કામગીરી થઈ રહી છે. કામની ગુણવત્તા જાળવવા માટે તેમણે પૂરતું ધ્યાન આપ્યું નથી, જેના કારણે સરકારી નાણાનો વ્યય થઈ રહ્યો છે અને ગામના લોકોને મજબૂત સુવિધા મળવાને બદલે ભવિષ્યમાં તૂટી પડે તેવા નાળાનું નિર્માણ થઈ રહ્યું છે.ત્યારે નાળાના કામમાં વપરાયેલા મટીરીયલ (માલ-સામાન) અને થયેલા કામની ગુણવત્તાની તટસ્થ ચકાસણી કરવામાં આવે. જો ખરેખર નિમ્ન કક્ષાની કામગીરી થઈ હોય તો, સદસ્ય વિજય ચૌધરી અને કામગીરી સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી લોક માંગ ઉઠી છે..





