ખેરગામ તાલુકા મથક તરીકે વિકસ્યા પછી એક દાયકાથી વધુ સમય વીતી ગયો છે. આ દરમિયાન વસવાટ, ધંધા તથા રોજગારના ક્ષેત્રે સતત વૃદ્ધિ થઈ છે. સાથે સાથે રાજ્ય ધોરીમાર્ગ નં. ૧૮૧ પરથી પસાર થતો આંતરરાજ્ય વાહન વ્યવહાર પણ વિસ્ફોટક રીતે વધ્યો છે. જેના પરિણામે ખેરગામની સાંકડી બજાર ગલીઓમાંથી અવારનવાર ચાર ચકકરાં વાહનો પસાર થતાં રહે છે. ખાસ કરીને વ્હોરા મસ્જિદ અને શ્રીજી ત્રિભેટા વિસ્તારોમાં ટ્રાફિકજામ રોજની બાબત બની ગઈ છે.હાલમાં ચાલુ કેરી મોસમના કારણે વિવિધ ગામડાઓમાંથી ખેડૂતો બજાર યાર્ડ તરફ આવતાં હોય છે. આથી આંબેડકર વર્તુળ પાસે પણ ભારે ટ્રાફિક જામ સર્જાય છે.પરિસ્થિતિ નિયંત્રિત કરવા તંત્ર દ્વારા હોમગાર્ડ મૂકવામાં આવ્યા છે, પરંતુ તેઓને યોગ્ય માર્ગદર્શન કે સુચારૂ વ્યવસ્થાપન વિના મુકતા કોઈ ઉલ્લેખનીય પરિણામ સામે આવ્યું નથી.ત્રાફિકની દયનીય સ્થિતિનો મુખ્ય કારણ કેટલાક અત્યંત સાંકડી માર્ગો પણ છે, જેમ કે જનતા મિલ ગલી અને વ્હોરા મસ્જિદ-સ્કૂલ તરફ જતી ગલી, જેને એકમાર્ગી બનાવવી ખૂબ જરૂરી બની છે. તેમ છતાં સ્થાનિક પંચાયત અને તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી, જે નિષ્ક્રિયતાનું જીવંત ઉદાહરણ છે.નાગરિકોનું માનવું છે કે ચીખલીથી ધરમપુર અથવા ધરમપુરથી ચીખલી તરફ જતા વાહનોને બજાર માર્ગે પ્રવેશ પર પ્રતિબંધ મૂકી, હાઈસ્કૂલ બાયપાસ માર્ગે દોરવામાં આવે તો ટ્રાફિકનો ભાર ઘટી શકે. પરંતુ એ દિશામાં તંત્ર કોઈ નોંધપાત્ર પગલાં લેતું નથી. નાગરિકોની માંગ: ટ્રાફિક સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે નાગરિકો એકમાર્ગી માર્ગની અમલવારી, ભારે વાહનોના અવરજવર પર નિયંત્રણ અને સક્રિય બાયપાસ વ્યવસ્થાની માંગણી કરી રહ્યા છે. જો તંત્ર હજી પણ નિષ્ક્રિય રહેશે તો નાગરિકોની મુશ્કેલીઓ વધુ ઊંડી બનવાની દહેશત છે.