Rajkot: “વિશ્વ ક્ષય દિવસ” નિમિત્તે જસદણમાં ટી.બી.મુક્ત ગ્રામ પંચાયત એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો

તા.૨૪/૩/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૪ માટે ૨૮૧ ગ્રામ પંચાયતો ટી.બી. મુક્ત જાહેર થઈ છે, જેમાં જસદણ તાલુકાની ૨૩ ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે. ત્યારે તા. ૨૪ માર્ચ – ‘વિશ્વ ક્ષય દિવસ’ નિમિત્તે જિલ્લા આરોગ્ય સમિતિ અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે જસદણ તાલુકા પ્રાંત કચેરી ખાતે નાયબ કલેક્ટરશ્રી આર. આર. ખાંભરાની અધ્યક્ષતામાં ટી.બી. મુક્ત ગ્રામ પંચાયત એવોર્ડ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જેમાં “ક્ષય નિર્મૂલન ઝુંબેશ” હેઠળ ક્ષયમુક્ત જાહેર થયેલી ૨૩ ગ્રામ પંચાયતોના સરપંચને શિલ્ડ અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમનો આરંભ દીપ પ્રાગટ્યથી કરાયા બાદ અતિથિઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું. આ તકે તાલુકા પંચાયત પ્રમુખશ્રી હિતેષભાઈ વોરા, મામલતદારશ્રી આઇ. જી. ઝાલા, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી સી. કે. રામ સહિતના આરોગ્ય અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





