Rajkot: નેપાળના ભૂલા પડેલ મહિલાને સહીસલામત તેમનાં પતિ પાસે પહોંચાડતી ટીમ અભયમ
તા.૨૮/૭/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન હંમેશા મહિલાઓની મદદ માટે તત્પર રહે છે. ત્યારે આજરોજ એક સજ્જન વ્યક્તિએ ૧૮૧ પર કોલ કરી એક અજાણ્યા મહિલા મળી આવતા તેને મદદની જરૂર હોય તેમ જણાવ્યું હતું.
કોલ આવતા જ રેસકોર્સ અભયમ ટીમના કાઉન્સિલર શ્રી વૈશાલીબેન ચૌહાણ મહિલા કોન્સ્ટેબલ શ્રી મનીષાબેન અને પાયલોટ શ્રી ગીરીશભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. મહિલા ખૂબ ગભરાયેલા હોવાથી રડતા હતા, તેથી મહિલાને આશ્વાસન અને સહાનુભૂતિ આપી, ટીમે મહિલાનું કાઉન્સેલિંગ કરતાં મહિલાએ જણાવ્યું હતું કે મહિલા નેપાળના વતની છે અને અહીયા લગભગ ત્રણ માસથી તેમના પતિ સાથે રહે છે. મહિલા અને તેના પતિ એક જગ્યા પર કામ કરે છે. મહિલા ગર્ભવતી હોય તેમની તબિયત ખરાબ થતા તેમના પતિએ મહિલાને એક રિક્ષામાં બેસાડી ઘરે જઈને આરામ કરવા કહેલું હતું પરંતુ મહિલા રિક્ષામાંથી ઉતર્યા બાદ તેમના ઘરનો રસ્તો ભૂલી ગયેલા, મહિલાને તેમના પતિનો મોબાઇલ નંબર કે ઘરનું સરનામું પણ યાદ ન હતું.
કાઉન્સેલિંગમા મહિલાએ પતિ જે રેસ્ટોરન્ટમાં કામ કરતા હતા, તે રેસ્ટોરન્ટનું નામ જણાવતા, ગુગલ મેપના સહારે તે રેસ્ટોરન્ટ પર પહોંચ્યા હતા. જયાં મહિલાને તેમના પતિને સુરક્ષિત સોંપવામા આવ્યા હતા. મહિલાને બે મહિનાથી માનસિક બીમારીની દવા ચાલુ છે તે વિષે જાણ થતાં ૧૮૧ ટીમે મહિલાના પતિને મહિલાને બહાર એકલા ન જવા દેવા સમજાવ્યા હતા. મહિલાના પતિએ પત્નીને સહીસલામત પહોંચાડવા બદલ ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો.