મત્સ્યપાલન ક્ષેત્રે સરાહનિય કામગીરી બદલ તહેજીબ ખાન પઠાણને “બેસ્ટ ફિશ ફાર્મર” એવોર્ડ એનાયત

મત્સ્યપાલન ક્ષેત્રે સરાહનિય કામગીરી બદલ તહેજીબ ખાન પઠાણને “બેસ્ટ ફિશ ફાર્મર” એવોર્ડ એનાયત
તાહિર મેમણ – આણંદ – 20/07/2024 – જળચર ઉછેરના વ્યવસાય સાથે સંકળાયેલી દરેક વ્યક્તિને સહકાર અને સહયોગ પ્રદર્શિત કરવા માટે ભારતમાં દર વર્ષે ૧૦ જૂલાઈના રોજ રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યમાં મત્સ્ય ઉત્પાદનમાં વધારો કરવા અને માછીમારોને આર્થિક રીતે વધુ સમૃદ્ધ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે વિવિધ પ્રોત્સાહક પગલાંઓ અને નીતિઓ અમલમાં મૂક્યા છે. જેના પરિણામે રાજયમાં મત્સ્યપાલનની પ્રવૃત્તિ સાથે જોડાયેલા અનેક પરિવારો આર્થીક રીતે સમૃધ્ધિની દિશામાં ઝડપભેર આગળ વધી રહયાં છે.
દેશમાં સૌથી વધુ લાંબો દરિયાકાંઠો ધરાવતું ગુજરાત દરિયાઈ માછલીના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં બીજા સ્થાન પર છે. જ્યારે અન્ય તમામ પ્રકારના સ્ત્રોતોમાંથી થતા કુલ મત્સ્ય ઉત્પાદનમાં દેશમાં પાંચમા સ્થાન પર છે. ગુજરાતને મળેલા ૧૬૦૦ કિ.મી. દરિયા કિનારાનો લાભ લઈ રાજ્યના મત્સ્ય ઉત્પાદન સાથે જોડાયેલા ખેડૂતોએ સફળતાપૂર્વક મત્સ્ય પાલન કરીને ભૂરી ક્રાંતીને સાચા અર્થમાં સાર્થક કરવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે.
મત્સ્યપાલન પ્રવૃત્તિ સાથે જોડાયેલા આવા જ એક સફળ ખેડૂત છે, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના તહેબજી ખાન પઠાણ. જેમને મત્સ્ય પાલન ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરવા બદલ ICAR- CIFRI સંસ્થા દ્વારા રાષ્ટ્રીય મત્સ્ય પાલન દિને કલકત્તા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં બેસ્ટ ફિશ ફાર્મરનો એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાહતા.
સમગ્ર રાજ્યમાંથી મત્સ્યપાલન પ્રવૃત્તિ સાથે જોડાયેલા એકમાત્ર તહેબજીખાન પઠાણની પસંદગી કરી તેમના કરવામાં આવેલ સન્માનની વાત કરતાં તહેજીબ ખાન પઠાણે જણાવ્યું હતુ કે, મેં અત્યાર સુધીમાં ૧૫ વખત મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા આપવામાં આવતી તાલીમ મેળવી છે અને હું હાલમાં બોરસદ ખાતે મારી ખાનગી નર્સરી પણ ચલાવું છું, જેમાં દોઢ વીઘામાં મચ્છીના બીજનું ઉત્પાદન કરું છું. જેના થકી મને રૂ. ત્રણ લાખ જેટલી આવક થાય છે. આ ઉપરાંત મેં મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા મને ઇજારા પર બોરસદ તાલુકાના સિંગલાવ અને પામોલ ગામ ખાતેના બે તળાવો મળ્યા છે, જે બે હેક્ટરના છે તેમાંથી ચાર ટન જેટલી માછલીનું ઉત્પાદન થાય છે. એક ટનના અંદાજિત રૂપિયા એક લાખની આવક થાય છે. આમ, મત્સ્ય પાલન કરવા માટે મને ઇજારા પર મળેલા આ બે તળાવમાંથી હું વર્ષે પાંચ થી છ લાખ જેટલી આવક મેળવું છું.
આમ, મત્સ્ય પાલન ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરવા બદલ ICAR- CIFRI સંસ્થાએ ૧૦ જુલાઈએ ’’રાષ્ટ્રીય મત્સ્ય પાલન દિવસ’’ કોલકત્તામાં યોજાયેલ સંમેલનમાં ગુજરાત રાજ્ય માટે મત્સ્ય પાલન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનાર આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના તહેબજી ખાન પઠાણને “બેસ્ટ ફિશ ફાર્મર”નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે, તહેબજી ખાન પઠાણ વર્ષ ૨૦૧૪ સુધી સાઉદી અરેબિયામાં રહેતા હતા અને મહિને રૂપિયા ૫૦,૦૦૦ જેવી આવક મેળવતા હતા. સાઉદી અરેબિયામાં તેમને પાંચ વર્ષ જેટલો સમય પણ થઈ ગયો હતો એટલે તેઓ ત્યાં સેટ પણ થઈ ગયા હતા, પરંતુ માદરે વતનની યાદ આવતા તેમનો આ વતન પ્રેમ તેમને પાછો બોરસદ ખાતે લઈ આવ્યો હતો. બોરસદ આવ્યા બાદ ઘણા નાના મોટા વ્યવસાય તેમણે કર્યા પરંતુ તેમાં ફાવટ ન આવતા તેમણે ૪૦ વર્ષથી માછલી ઉછેરનો વ્યવસાય કરતાં તેમના કાકા પાસેથી મત્સ્યપાલનના વ્યવસાયની જાણકારી મેળવી આ ક્ષેત્રમાં ઝંપલાવ્યુ. આ માટે તહેજીબખાને મત્સ્ય ઉદ્યોગ ખાતાનો સંપર્ક કરી તેમના દ્વારા આપવામાં આવતી તાલીમ મેળવીને મત્સ્યપાલનનો વ્યવસાય શરૂ કર્યો.




