BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ : અંકલેશ્વર પાનોલીમાં આવેલી કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર અંકલેશ્વરના પાનોલીમાં આવેલી એક કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે આગની જ્વાળા અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ પાનોલી વિસ્તારમાં આવેલી ક્રિશી રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર કંપની પરિસરમાં આગની જ્વાળા ફેલાઈ ગઈ હતી. કેમિકલ કંપની હોવાથી આગ વધુ ભયાનક બની હતી અને ધુમાડાના ઘેરા ગોટેગોટા આકાશમાં ઉડી રહ્યા હતા. આ બનાવની જાણ થતા અંકલેશ્વર અને પાનોલી વિસ્તારમાંથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક તબક્કે 5થી વધુ ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગની ગંભીરતા જોતા ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને આસપાસના વિસ્તારોમાંથી પણ વધુ ફાયર ફાયટર મંગાવવામાં આવ્યા હતા. ફાયર વિભાગના જવાનો સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. જોકે આગ કેમ લાગી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. હાલ ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા માટે સતત કામગીરી ચાલી રહી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થયાની માહિતી હાલમાં સામે આવી નથી, પરંતુ કંપનીને મોટું આર્થિક નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટના અંગે વધુ વિગતો મળ્યા બાદ સમગ્ર મામલો સ્પષ્ટ થશે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!