AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં આજે જિલ્લા અને તાલુકા પંચાયતનાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની શાસન અવધિ સમાપ્ત…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં એક મહત્વપૂર્ણ રાજકીય વળાંક આવ્યો છે,જેની સાથે ડાંગ જિલ્લા પંચાયત અને ત્રણેય તાલુકા પંચાયતોના ચૂંટાયેલા પ્રતિનિધિઓની પાંચ વર્ષની કાર્યમુદત આજે, તારીખ ૧૭ માર્ચ ૨૦૨૬ના રોજ સત્તાવાર રીતે પૂર્ણ થઈ છે.પાંચ વર્ષ અગાઉ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જંગી બહુમતી સાથે સત્તાના સૂત્રો સંભાળનારા તમામ પ્રમુખો, વિવિધ સમિતિઓના ચેરમેનો અને ચૂંટાયેલા સભ્યો આજ સાંજ બાદ સત્તાવાર રીતે ‘ભૂતપૂર્વ’ (માજી) બની ગયા છે.ડાંગ જિલ્લા પંચાયતના કુલ ૧૮ ચૂંટાયેલા સભ્યો તેમજ જિલ્લાના સુબીર, આહવા અને વઘઈ તાલુકા પંચાયતોના કુલ ૪૮ પ્રતિનિધિઓની અવધિ સમાપ્ત થતા હવે પંચાયતી શાસનનો સૂર્યાસ્ત થયો છે અને સરકારી વહીવટદારોએ સત્તાની કમાન પોતાના હાથમાં લીધી છે.રાજ્યમાં જિલ્લા અને તાલુકા પંચાયતોની પાંચ વર્ષની મુદત પૂર્ણ થવા આવી હોવા છતાં, રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી નવી ચૂંટણીઓનું કોઈ સત્તાવાર જાહેરનામું કે સમયપત્રક પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી. આ અનિશ્ચિતતાને પગલે રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ ડાંગમાં પણ વહીવટી શાસન અમલમાં મૂકવાની ફરજ પડી છે. રાજ્ય સરકારના આદેશ અનુસાર, ડાંગ જિલ્લા પંચાયતમાં વહીવટદાર તરીકેની મુખ્ય જવાબદારી ડાંગ કલેક્ટરને સોંપવામાં આવી છે. જ્યારે તાલુકા સ્તરે વહીવટી સરળતા રહે તે હેતુથી જે-તે તાલુકા પંચાયતોમાં પ્રાંત અધિકારી અને મદદનીશ પ્રાયોજના વહીવટદાર (Administrator) ની નિમણૂક કરવામાં આવી છે. હવેથી પંચાયતના તમામ નીતિવિષયક અને વહીવટી નિર્ણયો આ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લેવામાં આવશે, જેને પગલે જનપ્રતિનિધિઓના હસ્તક્ષેપ વગરનું શાસન શરૂ થયું છે.આ બદલાયેલી પરિસ્થિતિને કારણે સમગ્ર ડાંગ જિલ્લાના રાજકીય અને સામાજિક વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. લોકશાહી ઢબે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ન હોવાને કારણે પ્રજાના પ્રશ્નોની રજૂઆત કેવી રીતે થશે તે અંગે પણ ચર્ચાઓ તેજ બની છે. બીજી તરફ, રાજ્ય સરકાર આગામી ચૂંટણીઓ ક્યારે જાહેર કરશે તે તરફ સૌની નજર કેન્દ્રિત થઈ છે. ચૂંટણીમાં વિલંબ થવાની શક્યતાઓ વચ્ચે પણ ડાંગ જિલ્લામાં સક્રિય મુખ્ય રાજકીય પક્ષો જેવા કે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગ્રાઉન્ડ લેવલ પર પોતાની પક્કડ મજબૂત કરવા માટે બેઠકો અને સંગઠનલક્ષી પ્રવૃત્તિઓ તેજ કરી દીધી છે. હાલમાં ડાંગમાં પંચાયત સ્તરે લોકશાહી શાસનના આ તબક્કાનો અંત આવતા વહીવટી તંત્ર સજ્જ થયું છે, પરંતુ ચૂંટણીના ઢોલ ક્યારે વાગશે તે પ્રશ્ન હજુ પણ અકબંધ છે..

તસ્વીર, પ્રતિકાત્મક

Back to top button
error: Content is protected !!