
સામાજિક વનીકરણ વિભાગ નર્મદા દ્વારા એકલવ્ય મોડેલ સ્કૂલ ગોરા ખાતે ૧૦૨ પ્રકારના નવ હજાર વૃક્ષોનું વાવેતર કરાયું
વડાપ્રધાન મોદીના જન્મ દિને સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, કાર્યકરો અને બાળકો દ્વારા ‘એક પેડ માકે નામ’ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
શૂલપાણેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજા અર્ચના કરી પ્રધાનમંત્રીશ્રીના લાંબા આયુષ્યની સાંસદ દ્વારા પ્રાર્થના કરી જન્મ દિવસની શુભેચ્છા પાઠવી
રાજપીપલા : જુનેદ ખત્રી
૧૭મી સપ્ટેમ્બર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિને રાજ્યભરમાં જન સુખાકારીના મહત્વના ત્રણ કાર્યક્રમો યોજાયા છે, ત્યારે નર્મદા જિલ્લામાં પણ સ્વચ્છતા હી સેવા અભિયાન, સેવા સેતું કાર્યક્રમ અને એક પેડ મા કે નામ કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. જેમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિ અને કાર્યકરો તેમજ નાગરિકો પણ ઉત્સાહભેર જોડાયા હતા.
ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા નર્મદા નદી તટે આવેલા શૂલપાણેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના કરી પ્રધાનમંત્રીના સારા સ્વાસ્થય માટે પ્રાર્થના કરી હતી અને તેઓ લાંબુ અને દિર્ઘાયુ જીવન જીવે અને દેશ માટે પ્રજા કલ્યાણ માટે સતત કામ કરતા રહે અને દેશની સેવા અને ગુજરાતની સેવા સતત કરતા રહે તેવી શુભકામના પાઠવી હતી. આ જિલ્લા વતી અને વ્યક્તિગત રીતે જન્મ દિનની શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે તેમની સાથે નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, નાયબ વન સંરક્ષક નિરજકુમાર તથા મિતેષભાઈ પટેલ અને સ્થાનિક કાર્યકરો પણ જોડાયા હતાં.
સામાજીક વનીકરણ વિભાગ નર્મદા દ્વારા એકલવ્ય મોડેલ સ્કૂલ ગોરા ખાતે ૦.૮ હેક્ટરમાં મિયાવાકી પધ્ધતિ દ્વારા ૧૦૨ પ્રકારના દેશી અને ઔષધિય વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. અંદાજે ૯૫૦૦ જેટલા વૃક્ષો ઉછેરવામાં આવ્યા છે. આજે એક પેડ માકે નામ અંતર્ગત સાંસદ, ધારાસભ્ય અને એકલવ્ય મોડેલ સ્કૂલના બાળકો દ્વારા કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને ૭૫ માં વન મહોત્સવ અંતર્ગત પણ વૃક્ષોનું મોટા પાયે વાવેતર કરવામાં આવ્યું હતું. ધોરણ-૬ થી ૧૨ના ૩૯૦ બાળકો દ્વારા આ ખાસ વિશેષ દિને ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આમ, પ્રકૃતિનું સંવર્ધન અને વૃક્ષ ઉછેરના અભિયાનને સામાજીક વનીકરણ વિભાગે ખરા અર્થમાં સાકાર કર્યું હતું અને વધુમાં વધુ વૃક્ષો વાવીને હરિયાળું ગુજરાત, હરિયાળું સ્વપનને સાકાર કરવાના સંકલ્પ સાથે સૌએ સામૂહિક અભિયાનમાં જોતરાયા હતાં.





