થરાદ પોલીસની કાર્યવાહી: બ્રેઝામાંથી રૂ.7.13 લાખનો દારૂ ઝડપાયો, એક આરોપીની ધરપકડ

વાત્સલયમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
થરાદ પોલીસે ભાચર-મહાદેવપુરા રોડ પરથી એક બ્રેઝા ગાડીમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ. 3,43,634/-ની કિંમતની 1503 દારૂની બોટલો અને બિયર ટીન સહિત કુલ રૂ. 7,13,634/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસે ભાચર ગામની સીમમાં ભાચર-મહાદેવપુરા રોડ પર બ્રેઝા ગાડીને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
ગુનાહિત પ્રવૃત્તિની શંકા ગઈ હતી. પોલીસે તેનો પીછો શરૂ કર્યો હતો. બ્રેઝા ચાલકે ઈઢાટાથી લોરવાડા રોડ તરફ અને ત્યારબાદ મહાદેવપુરા ચોકડી તથા ભાચર જતા રોડ પર ગાડી પૂરઝડપે ભગાવી હતી.
ભાચર ગામની સીમમાં એક કાટખૂણે રોડ આવતાં બ્રેઝા ગાડીના ચાલકે કાબૂ ગુમાવ્યો અને ગાડી રોડની બાજુમાં ખેતરમાં ઘૂસી ગઈ. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને દિલાવરશા જુનેજા નામના એક આરોપીને ઝડપી પાડ્યો હતો.
આ કેસમાં જનકસિંહ ચૌહાણ, દશરથ વજીર અને મુકેશ રાજપુત સહિત ત્રણ અન્ય આરોપીઓ ફરાર છે. થરાદ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીઓને પકડવા અને દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરી છે.




